• ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પરથી સેજલબેન પંડ્યા, ડેડીયાપાડા બેઠક પરથી હિતેશ વસાવા અને ચોર્યાસી બેઠક  પરથી ભાજપે સંદિપ દેસાઇને મેદાનમાં ઉતાર્યા: બીજી યાદીમાં અલગ-અલગ 6 બેઠકો માટે ભાજપે ઉમેદવારો કર્યા જાહેર
  • રૂપાણી સરકારના વધુ એક મંત્રીની ટિકિટ પર ભાજપે ફેરવી કાતર: વિભાવરીબેન દવેની ટિકિટ કપા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 1લી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની જે 89 બેઠકો માટે મતદાન થવાનું છે. તેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આગામી સોમવારે અંતિમ દિવસ છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 6 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાનું બાકી રાખવામાં આવ્યું હતું. જે આજે સવારે જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાની ધોરાજી-ઉપલેટા બેઠક પરથી પૂર્વ જિલ્લા પ્રમુખ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્રભાઇ પાટલિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી મુળુભાઇ બેરા અને પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પરથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કાના મતદાનમાં જે 6 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી હતા તેની ઘોષણા કરવામાં આવી છે. આ 6 બેઠકો પૈકી બે બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટ જિલ્લાની ધોરાજી-ઉપલેટા બેઠક માટે ઉમેદવાર નક્કી કરવા છેલ્લા બે દિવસથી ચાલતી મથામણ બાદ અંતે ભાજપે રાજકોટ જિલ્લાના પૂર્વ પ્રમુખ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્રભાઇ પાડલિયા પર પસંદગીનું કળશ ઢોળ્યું છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી પૂર્વ મંત્રી મુળુભાઇ બેરાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પરથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન માલદેભાઇ ઓડેદરાને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર રાજ્ય સરકારના પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેની ટિકિટ કાપી તેના સ્થાને સેજલબેન રાજીવકુમાર પંડ્યાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એસ.ટી. કેટેગરી માટેની અનામત એવી ડેડીયાપાડા બેઠક પર ભાજપે હિતેશભાઇ દેવજીભાઇ વસાવા નામની ઘોષણા કરી છે. જ્યારે ચોર્યાસી બેઠક પર સંદિપભાઇ દેસાઇને ટિકિટ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.