બિહારની બે સીટો, યુપી, હરિયાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને તેલંગાણાની એક-એક વિધાનસભા સીટના પરીણામ જાહેર, કોંગ્રેસ એક પણ બેઠક ન મેળવી શકી
અબતક, નવી દિલ્હી
છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી ચૂંટણી પહેલા પેટાચૂંટણીના પરિણામો ભાજપ માટે હકારાત્મક સાબિત થવાના છે. કારણ કે ભાજપે સાતમાંથી ચાર બેઠકો જીતી છે. જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ એક પણ બેઠક જીતવામાં સફળ રહી નથી. બિહારની બે સીટો, યુપી, હરિયાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને તેલંગાણાની એક-એક વિધાનસભા સીટ પર યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપે બિહારના ગોપાલગંજ, હરિયાણાના આદમપુર, યુપીના ગોલા ગોકરનાથ અને ઓડિશાના ધામનગરથી જીત મેળવી હતી. જે સાત બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાંથી ત્રણ બેઠકો ભાજપ પાસે હતી. પેટાચૂંટણીમાં ભાજપે પોતાના ધારાસભ્યોની સંખ્યામાં વધુ એક વધારો કર્યો છે.
બિહારમાં એક બેઠક ભાજપ અને એક આરજેડીના ખાતામાં
બિહારની ગોપાલગંજ વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુસુમ દેવીએ આરજેડીના ઉમેદવાર મોહન પ્રસાદ ગુપ્તાને 1,794 મતોથી હરાવ્યા હતા. કુસુમ દેવીના પતિ ભાજપના ધારાસભ્ય સુભાષ સિંહના નિધન બાદ ગોપાલગંજ પેટાચૂંટણી થઈ હતી.બિહારની મોકામા વિધાનસભા પેટાચૂંટણીમાં આરજેડીની નીલમ દેવીએ ભાજપની સોનમ દેવીને હરાવીને જીત મેળવી છે. આરજેડીના ઉમેદવાર નીલમ દેવીએ મોકામા વિધાનસભા પેટાચૂંટણીમાં 16,741 મતોના માર્જિનથી જીત મેળવી છે.
હરિયાણાના આદમપુરમાં ભાજપના ભવ્ય બીશ્નોઈનો વિજય
હરિયાણાની આદમપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. અહીંથી ભાજપના ઉમેદવાર ભવ્ય બિશ્નોઈએ જંગી જીત મેળવી હતી. ભવ્ય બિશ્નોઈ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના પૌત્ર છે. તેમના પિતા કુલદીપ બિશ્નોઈ પણ રાજ્યની રાજનીતિમાં મોટું સ્થાન ધરાવે છે. ભવ્ય બિશ્નોઈ આદમપુર સીટ પર 16006 વોટથી જીત્યા.
ઓડિશામાં ભલે ભાજપની સતા ન હોય, પણ ધામનગર બેઠક કબ્જે કરી
ઓડિશાની ધામનગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. અહીંથી ભાજપના ઉમેદવાર સૂર્યવંશી સૂરજે સત્તાધારી બીજા જનતા દળના ઉમેદવાર અબંતિ દાસને 9,881 મતોથી હરાવ્યા હતા. સૂર્યવંશી સૂરજને 80351 વોટ મળ્યા જ્યારે અબંતિ દાસને 70470 વોટ મળ્યા.
મહારાષ્ટ્રના અંધેરી ઈસ્ટમાંથી ઉદ્ધવના ઉમેદવારની મોટી જીત
મુંબઈની અંધેરી ઈસ્ટ સીટ પર શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકેએ જીત મેળવી છે. એમએનએસના વડા રાજ ઠાકરેની અપીલને પગલે ભાજપે છેલ્લી ઘડીએ અહીં પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો હતો. પરિણામે, ઉદ્ધવની આગેવાની હેઠળની શિવસેના ઉમેદવાર ઋતુજા લટ્ટે માટે ચૂંટણી જીતવી સરળ બની હતી. શિવસેનાના સૌથી મોટા ભાગલા પછી મહારાષ્ટ્રમાં ઉદ્ધવની સેના અને ભાજપ વચ્ચે તે પ્રથમ ચૂંટણી લડાઈ હતી.
યુપીની ગોલા ગોકરનાથ બેઠક ઉપર ભાજપે બાજી મારી
ઉત્તર પ્રદેશના લખીમપુરની ગોલા ગોકરનાથ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમન ગિરીએ જીત મેળવી છે. સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ હતો. બસપા અને કોંગ્રેસે પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા, જેના કારણે ભાજપ અને સપા વચ્ચે મુખ્ય મુકાબલો રસપ્રદ બન્યો હતો. ભાજપના ઉમેદવાર અમન ગિરીને 1.24 લાખથી વધુ અને સપાના ઉમેદવાર વિનય તિવારીને 90 હજારથી વધુ મત મળ્યા છે.
તેલંગાણામાં ભાજપની હાર, પણ કેસીઆરને આપી કાંટે કી ટક્કર
તેલંગાણાની મુનુગોડે વિધાનસભા સીટ પર ભાજપને ભલે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ભાજપ માટે હાર જીતથી ઓછી નથી. કેસીઆરના વર્ચસ્વ વચ્ચે ભાજપના ઉમેદવારે મુનુગોડેમાં 86 હજારથી વધુ મત મેળવ્યા હતા. અહીં અનેક રાઉન્ડ સુધી ભાજપ અને ટીઆરએસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.