જૂનાગઢ બેઠક માટે ભાજપમાં રાજેશ ચુડાસમા અને દિનુ બોઘાના નામ ચર્ચામાં: કોંગ્રેસ જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર તથા અમરેલી બેઠક ઉપર સમીકરણો તપાસી ઉમેદવાર ઉતારશે
ગુજરાતની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રીલના રોજ યોજાનારા મતદાન માટે ચુંટણીનું વિધિવત જાહેરનામું ગઈકાલે પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજયમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના એક પણ રાજકીય પક્ષ અત્યારસુધી તમામ ૨૬ બેઠકો માટે ઉમેદવારો નકકી કરી શકી નથી. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાજપ જુનાગઢમાં જયારે કોંગ્રેસ જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલીમાં ઉમેદવારો ફાઈનલ કરવામાં ગોટે ચડયું છે.
ભાજપે ગુજરાતની ૨૬ પૈકી ૧૯ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. સૌરાષ્ટ્ર-કચ્છની જુનાગઢ બેઠકને બાદ કરતા તમામ ૭ બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે તો સામાપક્ષે કોંગ્રેસ અત્યાર સુધીમાં ગુજરાતની ૧૧ બેઠકો માટે પોતાના ઉમેદવાર જાહેર કરી શકી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને કચ્છ બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ જુનાગઢ બેઠક માટે ઉમેદવારનું નામ નકકી કરવામાં રીતસર ગોટે ચઢયું છે. આ બેઠક પર વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના નામની ચર્ચા હાલ ચાલી રહી છે. આજ સાંજ સુધીમાં આ બેઠક માટે ઉમેદવારના નામની ઘોષણા કરી દેવામાં આવશે.
સામાપક્ષે કોંગ્રેસે સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી રાજકોટ બેઠક પર ભાજપના મોહનભાઈ કુંડારિયા સામે ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાને, પોરબંદર બેઠક માટે ભાજપના ઉમેદવાર રમેશ ધડુક સામે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા, જુનાગઢ બેઠક માટે ધારાસભ્ય પુંજાભાઈ વંશને જયારે કચ્છ બેઠક માટે ભાજપના ધારાસભ્ય વિનોદ ચાવડા સામે નરેશ મહેશ્ર્વરીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ જામનગર, ભાવનગર, સુરેન્દ્રત્તગર અને અમરેલી બેઠક માટે ઉમેદવાર નકકી કરવામાં ગોટે ચઢયું છે. અહીં આ તમામ બેઠકો પર સમીકરણોની વિસ્તૃત તપાસણી બાદ ઉમેદવારો નકકી કરવામાં આવે તેવું સુત્રો જણાવી રહ્યા છે.