યુવા ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલ અને હિતેન્દ્રભાઇ પટેલને જવાબદારી સોંપાઇ: રાજકીય પ્રતિસાદ-પ્રતિક્રિયા વિભાગમાં અમિત મહેતાની સભ્ય તરીકે નિમણૂંક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે ફરી રાજ્યમાં તોતીંગ બહુમતી સાથે સત્તારૂઢ થવાના બૂલંદ ઇરાદા સાથે તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યમાં ગત સપ્ટેમ્બર માસમાં નેતૃત્વ પરિવર્તન કર્યા બાદ હવે સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આગામી 20મીએ પ્રદેશ ભાજપ દ્વારા તમામ મંડળોમાં એક સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
દરમિયાન ગઇકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા બે સહ પ્રવક્તાઓની નિમણૂંક કરી છે. જ્યારે રાજકીય પ્રતિસાદ અને પ્રતિક્રિયા વિભાગના પ્રદેશ ટીમના સદસ્ય તરીકે અમિતભાઇ મહેતાની નિમણૂંક કરવામાં આવી છે. સંગઠનને મજબૂત બનાવવા માટે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા વન ડે, વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
ગુજરાતમાં ફરી સત્તારૂઢ થવા માટે ભાજપ દ્વારા જનતાનો મિજાજ પારખી ગત સપ્ટેમ્બર માસમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના તમામ સભ્યો તરીકે નવા ચહેરાનો પસંદગી કરવામાં આવી હતી. હવે સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવા માટે જોર આપવામાં આવી રહ્યું છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા ગઇકાલે પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા તરીકે યુવા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ડો.ઋત્વિજભાઇ પટેલ અને હિતેન્દ્રભાઇ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે રાજકીય પ્રતિસાદ અને પ્રતિક્રિયા વિભાગના પ્રદેશ ટીમના સદસ્ય તરીકે અમિતભાઇ મહેતાની નિમણૂંક કરવામાં આવી છે. આગામી ગુરૂવારના રોજ પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના તમામ મંડળોમાં એક સાથે બેઠક યોજાશે. દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આગામી દિવસોમાં વન ડે, વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજાશે. જેમાં પેજ કમિટી સહિતના કામો પૂર્ણ કરવા સહિતની તાકીદ કરવામાં આવશે.
ભાજપે ચુંટણી પૂર્વ તોડજોડ પણ શરૂ કરી દીધું છે. આપ સાથે છેડો ફાડનાર જાણીતા ગાયક વિજયભાઇ સુવાળાએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીના યુવા ઉપાધ્યક્ષ શ્રીમતી નીલમબેન વ્યાસ પણ ભાજપમાં જોડાઇ ગયા છે. આગામી દિવસોમાં કેટલાક મોટા માથા પણ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરે તેવી શક્યતા જણાય રહી છે.