ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જોરદાર તૈયારીઓ શરૃ કરી દીધી છે. બુધવારે કમલમમાં પ્રદેશ ભાજપના નેતાઓની મેરેથોન બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાતમાં ચૂંટણીના રોડમેપને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. નવરાત્રી બાદ ભાજપ ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે.
કમલમ ખાતે બુધવારે મુખ્યમંત્રી વિજય રૃપાણી સહિત ભાજપના પ્રદેશ પ્રભારી,પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વિસ્તૃત ચર્ચા થઇ હતી. આ ઉપરાંત ચૂંટણીલક્ષી કાર્યક્રમોને આખરી ઓપ અપાયો હતો. ૨૭મીએ વડાપ્રધાનની મનકી બાત સમૂહમાં સાંભળવામાં આવશે.
૩૦ ઓગષ્ટ સુધીમાં ભારતમંથન સેમિનાર પૂર્ણ કરાશે. ૪૮ હજાર વિસ્તારકો સ્વચ્છતા અભિયાન જેવા સેવાકીય કાર્યો કરશે. સૂત્રોના મતે,નવરાત્રી બાદ ઉમેદવારોની પસંદગી શરૃ કરાશે જેના પગલે નિરીક્ષકોને મત વિસ્તારોમાં મોકલીને અભિપ્રાય મેળવવામાં આવશે.
અત્યારથી ટિકિટના દાવેદારોએ ગોડફાધરોની શરણ મેળવી છે. દિલ્હીના આંટાફેરા પણ શરૃ કરી દીધાં છે. પ્રદેશ કક્ષાએ ઉમેદવારોની યાદી તૈયાર કર્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડમાં આખરી પસંદગી કરાશે. વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને મુખ્ય પ્રચારક તરીકેને જવાબદારી સુપરત કરવામાં આવે તેવી શક્યતા છે. તેઓ ટૂંકમાં જ ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ સાથે બેઠક યોજશે. આમ, ભાજપે ચૂંટણીનો ધમધમાટ શરૃ કરી દીધો છે.