રાજુલા વિધાનસભા પરીવાર દ્વારા સ્નેહમિલન યોજાયું: ધારાસભ્યો, જિ.પં.પ્રમુખ સહિતનાઓની ઉપસ્થિતિ
રાજુલામાં આહિર સમાજની વાડીમાં રાજુલા વિધાનસભા પરીવાર દ્વારા સમગ્ર રાજુલા તાલુકાનું સ્નેહમિલન યોજાયું હતું. આ તકે અમરેલી જીલ્લાના પાંચ ધારાસભ્યો ઉપરાંત જીલ્લા પંચાયતના પ્રમુખ તથા માજી પ્રમુખ જેનીબેન ઠુંમર તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જીલ્લાના હોદેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ રાજુલા-જાફરાબાદ તાલુકાના કોંગ્રેસના માળખાની જાહેરાત કરવામાં આવેલ હતી. જેમાં ખાસ હોદાઓમાં શહેર પ્રમુખ તરીકે અમિતભાઈ જોષી તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે દિપકભાઈ જાળધરા, લઘુમતિ સેલના શહેર પ્રમુખ તરીકે રસુલભાઈ કુરેશીની નિમણુક કરવામાં આવી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યો પ્રતાપ દુધાત, જે.વી.કાકડીયા, વિરજી ઠુંમર દ્વારા સૌને નવા વર્ષના હાર્દિક અભિનંદન પાઠવેલ. તેમજ આવનારી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના જ ઉમેદવારને જીતાડવા આહવાન કરેલ હતું. કોંગ્રેસ પ્રદેશ અગ્રણી અને જાણીતા એડવોકેટ બાબુભાઈ રામ ખાસ હાજર રહેલ. પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરીયાએ આ લોક વિરોધી ભાજપ સરકારને ઉખેડી ફેંકવા જણાવેલ હતું. આ તકે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને આહિર અગ્રણી બાબુભાઈ જાલોંધરા દ્વારા પણ વકતવ્ય આપેલ હતું. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાલમાં ચુંટણી પ્રવાસે હોય તેમના લઘુબંધુ શરદભાઈ ધાનાણી ઉપસ્થિત રહેલ અને પરેશભાઈ ધાનાણીનો સંદેશ પાઠવેલ.
ધારાસભ્ય અંબરીશભાઈ ડેર સૌને આવનારું વર્ષ સારું જાય તેવી શુભેચ્છા આપેલ. પોતે ૧૨ મુદાઓને લઈ વિધાનસભાની ચુંટણીના મેદાનમાં આવેલા જેમાનો મુખ્ય મુદો આરોગ્યનો હતો જેના માટે વિશાળ હોસ્પિટલ માટેની જમીન ૧॥ વિઘા હાલમાં ખરીદાય ગયેલ છે. તેમજ આગામી સમયમાં રમત-ગમતનું મેદાન તેમજ બીજા કેટલાક મુદાઓ સંબંધે કામગીરી પૂર્ણ કરીને તેઓ દ્વારા લોકોને આપવામાં આવેલા ૧૨ મુદાઓમાં કામગીરી શરૂ જ કરી દેવામાં આવેલ છે અને તેના પરીણામો થોડા સમયમાં લોકોને ચાખવા મળશે તેવું જણાવેલ હતું.
ભાજપના લોકો દ્વારા કામગીરી તો કરવામાં આવતી નથી પરંતુ અમો કામગીરી કરી રહ્યા છીએ તેમાં રોડા નાખવામાં આવે છે. જેનો જવાબ આગામી લોકસભામાં લોકો આપશે તેવું અંતમાં અંબરીશ ડેરે જણાવેલ હતું. ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી તથા શહેરમાંથી ઉપસ્થિત સરપંચો, આગેવાનો તથા કાર્યકરોનો જમણવાર યોજાયો હતો.