પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે અને સાંસદ વિનોદભાઇ ચાવડા રહ્યા ઉપસ્થિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ ફરી ગુજરાતમાં કેસરીયો લહેરાવવા માટે સજ્જ થઇ ગયું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તાજેતરમાં તમામ 182 વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે પ્રભારીઓને સજ્જ કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં રાણીંગા વાડી ખાતે આજે સૌરાષ્ટ્ર ઝોનની 54 વિધાનસભા બેઠકોના પ્રભારીઓ અને જિલ્લાના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી અને વિસ્તારકોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભાની બેઠકના પ્રભારીઓ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લા અને મહાનગરોના પ્રમુખ, મહામંત્રી, પ્રદેશ પ્રભારી અને વિસ્તારકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે અને સાંસદ તથા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ વિનોદભાઇ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પ્રભારીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આગામી દિવસોમાં પ્રભારીઓ દ્વારા વિધાનસભાની બેઠકો પ્રવાસ ખેડવામાં આવશે. ભાજપ વિધાનસભાની આગામી ચૂંટણીમાં 140થી વધુ બેઠકો જીતવાના બુલંદ ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માંગે છે.