• ભાજપે સતત ત્રીજી વખત વડોદરા લોકસભા બેઠક પર ટિકિટ આપતા રંજનબેન સામે ફાટી નીકળ્યો હતો વિરોધ વંટોળ અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાની સોશિયલ મીડિયા પર ઘોષણા: ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેર કરાશે નવા ઉમેદવાર

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી સમયે જ સત્તાધારી પક્ષ ભાજપમાં હોળી સર્જાય છે.ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં લોકસભાની અલગ અલગ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ કેટલીક બેઠકો પર વિરોધ ફાટી નીકળ્યો હતો.કાર્યકરો અને આગેવાનોમાં અસંતોષની આગ લાગી હતી.વડોદરા લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવતા ભારે વિરોધ ઊભો થયો હતો. દરમિયાન આજે સવારે ખુદ રંજનબેન ભટ્ટે અંગત કારણોસર લોકસભાની ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી છે.

BJP: Ranjanben Bhatt's announcement of not contesting elections
BJP: Ranjanben Bhatt’s announcement of not contesting elections

ગુજરાતની લોકસભાની 26 પૈકી 22 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. વડોદરા લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવતા વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો. રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા વિરોધ નોંધાવનાર જ્યોતિબેન પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.બીજી તરફ આ ઘટનામાં વડોદરાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.જોકે પ્રદેશ અધ્યક્ષના મનામણા બાદ તેઓએ રાજીનામું પરત ખેંચી લીધું હતું.સતત ત્રીજી વખત ઉમેદવાર જાહેર કરાયા બાદ રંજનબેન ભટ્ટના વિરોધમાં વડોદરામાં ઠેર-ઠેર પોસ્ટરો લાગ્યા હતા “મોદી તુજસે વેર નહીં રંજન તેરી ખેર નહીં” જેવા આક્રમક પોસ્ટરો લાગ્યા હતા.

જેની નોંધ દિલ્હી સુધી લેવામાં આવી હતી. ભાજપ દ્વારા વડોદરા બેઠક માટે ઉમેદવાર બદલાવામાં આવશે તેવી અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. દરમિયાન આજે સવારે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની આગામી ચૂંટણી અંગત કારણોસર નહીં લડવાની ઘોષણા કરતા ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે.ભાજપ હજી એકાદ બેઠક પર ઉમેદવાર બદલે તેવી અટકળો પણ ચાલી રહી છે. વડોદરા ભાજપ માટે હંમેશા અડીખમ ગઢ રહ્યો છે અહીં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરાયા બાદ સંગઠનમાં જ કકળાટ ફાટી નીકળ્યો હતો. જેના કારણે વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ અંગત કારણોસર લોકસભાની આગામી ચૂંટણી લડવામાંથી ખસી ગયા છે.

જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને કરાશે રિપિટ, સુરેન્દ્રનગરમાં શંકર વેગડનું નામ આગળ

અમરેલી બેઠક પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકે છે ભાજપ

દિલ્હીમાં આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક: ઉમેદવારોના નામની પાંચમી યાદી જાહેર કરવામાં આવે તેવી સંભાવના
ગુજરાતની લોકસભાની ર6 બેઠકો માટે ત્રીજી તબકકામાં 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. આગામી 1ર એપ્રિલે ચુંટણીનું જાહેરનામુ પ્રસિઘ્ધ થતાની સાજે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાતની ર6 બેઠકો પૈકી રર બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રની ત્રણ સહિત કુલ ચાર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે.

દિલીપ સંઘાણી પરિવારમાંથી કરાશે પસંદગી

જુનાગઢ બેઠક પર વર્તમાન સાંસદ રાજેશભાઇ ચુડાસમાને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જયારે સુરેન્દ્રનગર બેઠક પર વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાની ટિકીટ કપાશે તે ફાઇનલ મનાઇ રહ્યું છે. રાજયસભાના પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડનું નામ સુરેન્દ્રનગર બેઠક માટે સૌથી આગળ ચાલી રહ્યું છે. જયારે અમરેલી બેઠક માટે ભાજપ મહિલા ઉમેદવાર પર પસંદગીનું કળશ ઢોળી શકે છે.

ભાજપ દ્વારા ગુજરાતની ર6 બેઠકો પૈકી રર બેઠકો માટે ઉમેદવારોના નામની ધોષણા કરી દેવામાં આવી છે. જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણા બેઠક માટે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા નથી. દરમિયાન આજે સાંજે 7 કલાકે ભાજપની કેન્દ્રીય ચુંટણી સમીતીની એક બેઠક મળશે જેમાં ઉતર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઓરિસ્સા અને તેલાંગણા સહિતના રાજયોની લોકસભાની બેઠક માટે ઉમેદવારોના નામ નકકી કરવા માટે મનોમંથન હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાતની બાકી રહેલી ચાર બેઠકો માટે પણ ઉમેદવારોના નામ ફાઇનલ કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

કોંગ્રેસ દ્વારા અમરેલી બેઠકના ઉમેદવાર તરીકે જેનીબેન ઠુંમરનું નામ જાહેર કર્યુ છે. આવામાં ભાજપ દ્વારા પણ અમરેલી બેઠક માટે મહિલા ઉમેદવાર પર પસંદગીનું કળશ ઢોળવામાં આવે તેવી સંભાવના હાલ દેખાય રહી છે. પૂર્વ મંત્રી દિલીપભાઇ સંઘાણીના પરિવારમાંથી મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવી શકયતા નકારી શકાતી નથી. જુનાગઢ બેઠક માટે વર્તમાન સાંસદ રાજેશભાઇ ચુડાસમાનું નામ હાલ સૌથી આગળ ચાલી રહ્યું છે. ભાજપ સતત ત્રીજી વખત રાજેશભાઇ પર પસંદગી ઉતારી શકે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

સુરેન્દ્રનગર બેઠકના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાની ટિકીટ કપાશે તે નિશ્ર્ચીત મનાય રહ્યું છે. આ બેઠક પરથી ભાજપ રાજયસભાના પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડને મેદાનમાં ઉતારવામાં આવે તેવું મનાય રહ્યું છે. વેગડ ઉપરાંત વર્ષાબેન દોશી, દેવ કોરડીયા, પ્રકાશ કોરડીયા, હિમાંશુ વ્યાસ સહિતના નામો ચર્ચામાં છે. મહેસાણા બેઠક માટે હજી ભાજપમાં ભારે સસ્પેન્ડ ચાલી રહ્યું છે.

ભાજપે રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલા, પોરબંદર બેઠક પરથી કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા, ભાવનગર બેઠક પરથી નિમુબેન બાંમણીયા, જામનગર બેઠક પરથી પુનમબેન માડમ અને કચ્છ બેઠક પર વિનોદભાઇ ચાવડાને ટિકીટ આપી છે. આજે મોડી રાત સુધીમાં અથવા આવતીકાલે ગમે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પાંચમી યાદી પ્રસિઘ્ધ કરવામાં આવશે જેમાં ગુજરાતની બાકી રહેલી ચાર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.