મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લાથી સંવિધાન ગૌરવયાત્રાનો આરંભ કરાવ્યો 6 ડિસેમ્બરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વડનગરમાં યાત્રાનું સમાપન કરાવશે
અબતક,રાજકોટ
ભારત રત્ન, વિશ્ર્વવિભૂતી અને મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં ભારતનું બંધારણ તૈયાર કરી 26 નવેમ્બર 1949ના રોજ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતુ. આજે સંવિધાન દિન નિમિતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજથી રાજયના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંવિધાન ગૌરવ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ 6 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે સંવિધાન યાત્રાનું સમાપન કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દર વર્ષ 26મી નવેમ્બરના દિવસે સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. આજે રાજયભરમાં પ્રદેશ ભાજપ દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં સંવિધાનને હાથીની અંબાડીએ બેસાડીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંવિધાન ગૌરવ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. આ યાત્રાની જવાબદારી ભાજપનો અનુસુચિત જાતી મોરચો સંભાળી રહ્યો છે. આજથી શરૂ થયેલી આ યાત્રા ડો. બાબા સાહેબ આંબેડકરના નિવાણ દિન અર્થાત 6 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે અને વડનગર ખાતે સંવિધાન ગૌરવ યાત્રાનું સમાપન કરવામાં આવશે.
રાજય સરકારના મંત્રીઓ પ્રદેશ ભાજપના હોદેદારો દ્વારા સવારે અલગ અલગ જિલ્લા અને મહાનગરોમા સંવિધાન ગૌરવ યાત્રાનો આરંભ કરાવ્યો હતો રાજકોટમાં રાજય સરકારના વાહન વ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જયારે જિલ્લામાં ગોંડલ ખાતેથી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ અને ડો. આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ચેરમેન ડો. પ્રવિણભાઈ પંડયાએ આરંભ કરાવ્યો હતો.