ડો. બળવંતભાઈ જાનીના પુસ્તક ‘આપાતકાલીન ગુજરાતી ગદ્યસાહિત્ય’નું ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં હસ્તે વિમોચન
અમદાવાદમાં દિનેશ હોલ ખાતે યોજાયેલા એક સમારોહમાં ડો. બળવંત જાનીનાં પુસ્તક ‘આપાતકાલીન ગુજરાતી ગદ્યસાહિત્ય’નું વિમોચન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીતિનભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, મનસુખભાઈ માંડવીયા, આર.સી. ફળદુ, ભુપેદ્રસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ અને સંઘનાં કાર્યકરો તથા વિષ્ણુભાઈ પંડ્યા, સરસ્વતી વિદ્યામંદિર સંકુલના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, શુભેચ્છકો ગીરીશભાઈ ભટ્ટ, ધામેલિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈએ ડો. બળવંતભાઈ જાનીના કટોકટી પર લખાયેલા પુસ્તક ‘આપતકાલીન ગુજારતી ગદ્યસાહિત્ય’ને વધાવ્યું હતું.
કટોકટી દરમિયાન નરેન્દ્ર મોદી, પરસોત્તમ માવળંકર, ઉમાશંકર જોશી અને વિષ્ણુ પંડ્યાનાં ગદ્યસાહિત્યનું પુસ્તકમાં સંશોધનાત્મક આલેખન : ગુજરાતી સાહિત્યમાં કટોકટી વિષયક સૌ પ્રથમવાર આ પ્રકારનાં પુસ્તકનું લેખન-પ્રકાશન
આ પુસ્તકમાં લેખક ડો. બળવંત જાનીએ કટોકટી દરમિયાનનાં નરેન્દ્રભાઈ મોદી, પરસોત્તમભાઈ માવળંકર, ઉમાશંકરભાઈ જોશી અને વિષ્ણુભાઈ પંડ્યા એમ કુલ ચાર લેખકોના વ્યક્તિત્વ તથા કૃતિમાંથી પ્રગટતા મહત્વના સૂર અને સ્વરને સંશોધનાત્મક અને વિવેચનાત્મક રીતે આલેખ્યાં છે. આપતકાલીન ગદ્યસાહિત્ય પુસ્તક એ ચાર સારસ્વતોનાં કટોકટી સમય દરમિયાન જીવાયેલા-અનુભવાયેલા-લખાયેલા ગદ્ય સાહિત્યનો નીચોડ છે જેમાં ડો. બળવંતભાઈ જાનીએ પોતાની વિદ્વાનતા દ્વારા કટોકટીની કાળાશ પર પ્રકાશ પાથર્યો છે. આ ઉપરાંત લેખક ડો. બળવંતભાઈ જાનીએ કટોકટીનાં સમયગાળા દરમિયાન મીસાગ્રસ્ત દેશપ્રેમીઓનાં પરિવારજનોને હુંફ આપીને સદાય દેખરેખ રાખનાર માતૃશક્તિની પ્રતિનિધિરૂપ હંસિકાબેન અરવિંદભાઈ મણીઆર, પ્રમીલાબેન પ્રવીણભાઈ મણીઆર અને અંજલીબેન વિજયભાઈ રૂપાણીને આ પુસ્તક સમર્પિત કર્યું છે. તેમજ પુસ્તકની પ્રસ્તાવના અભિયાન સામાયિકનાં તંત્રી તરુણ દત્તાણી દ્વારા લખવામાં આવી છે. પાર્શ્વ પ્રકાશન દ્વારા આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે.