વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે પરિણામે ભારતીય જનતા પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરો તૈયાર થઈ ગયો છે. બીજેપી ઈલેકશન મેનીફેસ્ટો કમીટીના અધ્યક્ષ જયનારાયણ વ્યાસે સપ્ટેમ્બર કે ઓકટોબરના મધ્યમાં ચૂંટણી ઢંઢેરો જાહેર થશે તેવું કહ્યું છે. મેનીફેસ્ટોનો ફાઈનલ ડ્રાફટ આવતા અઠવાડિયે સબમીટ કરવામાં આવશે.

ગત વિધાનસભા ચૂંટણીમાં આપેલા વચનો પુરા કરવામાં જયાં જયાં ખામી રહી ગઈ છે. તે ખામીઓને પૂર્ણ કરવા ઉપર આગામી ચૂંટણી ઢંઢેરામાં ધ્યાન રખાયું છે. ગત ચૂંટણીમાં સ્કુલ ડ્રોપ આઉટ રેસીયો ઝીરો ટકા કરવાનું વચન અપાયું હતું.  આ વચન આગામી ટર્મમાં પૂરું થશે. આ ઉપરાંત સિંચાઈ યોજના હેઠળ વધુ ૧૬ લાખ હેકટર ઉમેરવાના વચનને પણ પૂર્ણ કરવાને પ્રાથમિકતા અપાશે. સૌરાષ્ટ્રના તમામ ડેમોને નર્મદા નીરથી છલકાવી દેવાના મુખ્ય મુદ્દાને પણ મેનીફેસ્ટોમાં આવરી લેવાયો હોય તેવું જણાય રહ્યું છે. દરેક મુખ્ય જિલ્લામાં મેડિકલ કોલેજો ઉભી કરવી તેમજ તમામને ઘરના ઘર આપવાની યોજના હેઠળ ૫ લાખ આવાસોનું નિર્માણ કરવા સહિતના લક્ષ્ય ચૂંટણી ઢંઢેરામાં રાખવામાં આવશે. સામાજીક ઘડતર તેમજ ગુડ્ ગુવર્નન્સ ઉપર ધ્યાન કેન્દ્રીત થશે. આગામી ચૂંટણી માટેના મેનીફેસ્ટોમાં આર્થિક વિકાસ વધારવા માટે જેમ બને તેમ ઓછી સરકારી પ્રક્રિયાઓમાંથી ઉદ્યોગપતિઓને પસાર થવું પડે તેવું સુનિશ્ર્ચિત કરવામાં આવશે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રણનીતિને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભાજપે ૪ ઝોનના પ્રભારીઓને જવાબદારીઓ સોંપી દીધી છે જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનને સૌરાષ્ટ્ર, નરેન્દ્ર તોમરને મધ્ય ગુજરાત, પી.પી.ચૌધરીને ઉત્તર ગુજરાત તેમજ જીતેન્દ્રસિંહને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. આ પ્રભારીઓ આગામી દિવસોમાં પોતાના વિસ્તારોની મુલાકાત લેશે. અલબત આ અગાઉ ભાજપે ચૂંટણીના વડામથક તરીકે રાજકોટ, અમદાવાદ, મહેસાણા અને સુરત પર પસંદગી ઉતારી છે.

નવી દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ ભાજપ ચૂંટણીના ટોપગીયરમાં આવી ગયો છે. ત્રીજી સપ્ટેમ્બરે ગુજરાતની ચૂંટણી કાર્યનો હવાલો ધરાવતા કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી અને નિર્મલા સીતારામન ગુજરાતની મુલાકાતે આવશે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠકમાં ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના અપપ્રચારને ખાળવા માટેની રણનીતિ ઘડાઈ હતી. જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની સિદ્ધિઓ સહિતના અનેક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. ૧૦મી સપ્ટેમ્બરે ગુજરાતમાં અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારા સંમેલનની સાથે સાથે ૧૦૦ સ્થળોએ લાઈવ થ્રીડી સભા યોજાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ત્રીજી સપ્ટેમ્બરે ભાજપ દ્વારા મીડિયા-સોશિયલ મીડિયાનો વર્કશોપ અને ગાંધીનગરમાં એસટી સેલનું એક મહાસંમેલન યોજવાનો નિર્ણય લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.