- ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાના અઘ્યક્ષસ્થાને દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતની એક એક બેઠક માટે ચર્ચા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લઇ રહ્યા છે રસ
- ભાજપે અનેક બેઠકો માટે ઉમેદવારોના નામો ફાઇનલ કરી લીધા હોય ગમે ત્યારે પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવે તેવી શકયતા
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 89 બેઠકો માટે આગામી 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. પ્રથમ તબકકાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આડે હવે રોકડા ચાર દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાત ચુંટણી જંગ માટે રણવીરો નકકી કરવા માટે આજથી દિલ્હી ખાતે રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાની અઘ્યક્ષતામાં બે દિવસીય સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકોનો આરંભ થઇ ચૂકયો છે. આવતીકાલ રાત સુધીમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે.
ગુજરાતની 182 બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની ચુંટણી સમિતિની ત્રણ દિવસીય બેઠક મળી હતી. જેમાં બેઠક વાઇઝ દાવેદારોના 3 થી પ નામોની પેનલ બનાવવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હીમાં છે ગઇકાલે ગૃહ મંત્રી અમિતભાઇ શાહના નિવાસ સ્થાને ત્રણ કલાકની મેરેથોન બેઠક મળી હતી. જેમાં અલગ અલગ પ0 બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરી દેવામાં આવ્યા હોવાની ચર્ચા થઇ રહી છે અને જે નેતાના નામો ફાઇનલ થયા છે તે નામની યાદી સોશિયલ મીડિયા પર ફરી રહી છે. જો કે ભાજપના નેતાઓએ આ યાદીને સત્તાવાર ગણાવતા નથી.
દરમિયાન આજથી દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસીય બેઠક મળશે. જેમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ઉમેદવારોના નામો ફાઇનલ કરવામાં આવશે આવતીકાલે રાત્રે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા ગુરુવારે રાતે ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે.
જે બેઠકોમાં ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ વિરોધ ઉઠવાની કોઇ સંભાવના હાલ પક્ષને દેખાતી નથી તેવી બેઠકો માટે ઉમેદવારના નામો ગમે ત્યારે કરી દેવામાં આવશે. ભાજપ આ વખતે બે થી ચાર સાંસદોને પણ વિધાનસભાની ચુંટણી લડાવે તેવું ચર્ચાય રહ્યું છે.
- સાંસદ મોહનભાઇ કુંડારીયાને ટંકારાથી પુનમબેનને ખંભાળીયાથી લડાવાશે ?
- ભાજપ બે થી ચાર સાંસદોને વિધાનસભાની ચૂંટણી લડાવે તેવી પ્રબળ સંભાવના
ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ બે થી ચાર સાંસદોને પણ વિધાનસભાની ચુંટણી લડાવી શકે છે. રાજકોટની લોકસભા બેઠકના સાંસદ મોહનભાઇ કુંડારીયાને મોરબી જીલ્લાની ટંકારા પડધરી વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી પ્રબળ સંભવના જણાય રહી છે. મોહનભાઇ જયારે સાંસદ ન હતા ત્યારે આ બેઠક પરથી જ ચુંટણી લડી સતત જીતતા હતા. જો તેઓને વિધાનસભાના લડાવવામાં આવશે અને રાજયમાં ફરી ભાજપની સરકાર બનશે તો નવા મંત્રી મંડળમાં પણ તેમને સ્થાન મળે તેવી શકયતા હાલ જણાય રહી છે. આ ઉપરાંત જામનગરના સાંસદ પુનમબેન માડમને ખંભાળીયા વિધાનસભાની બેઠક પરથી ભાજપ ચુંટણી લડાવી શકે છે. જો આવુ થશે તો ખંભાળીયા બેઠક પર કાકા અને ભત્રીજા વચ્ચે ચુંટણી જંગ જામશે. નવી સરકારમાં પુનમબેન પણ સરકારનો ચહેરો બની શકે છે. દક્ષિણ કે મઘ્ય ગુજરાતમાંથી બે જેટલા સાંસદોને વિધાનસભાની ચુંટણી લડાવવામાં આવે તેવી શકયતા સૂત્રો વ્યકત કરી રહ્યા છે.