• સાંજ સુધીમાં લોકસભાની તમામ 26 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા આટોપી લેવાશે: અમિત શાહ અને સી.આર.પાટીલની ટિકિટ ફાઇનલ જેવી
  • બાકીની 24 બેઠકો પૈકી 20 બેઠકો પર નવા ચહેરાને ભાજપ મેદાનમાં ઉતારે તેવી સંભાવના

Rajkot News
લોકસભાની ચૂંટણી જાહેર થવાના આડે હવે એક પખવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારીની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજ સાંજ સુધીમાં સેન્સ પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. દરમિયાન આજે સાંજે ગાંધીનગર સ્થિત સી.એમ.બંગલા ખાતે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં બેઠક વાઇઝ સંભવિતોના નામની પેનલ બનાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સિવાય મોટાભાગના સિટીંગ સાંસદોની ટિકિટ પર જોખમ છે. 26 પૈકી વધીને 4 થી 6 બેઠકો માટે ભાજપ સિટીંગ સાંસદોને ફરી ટિકિટ આપી શકે છે. બાકીની તમામ બેઠકો પર નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવશે. યુવા અને મહિલાઓને વધુ તક આપવામાં આવશે. ઉમેદવારોના નામની પ્રથમ યાદી આગામી 29મી ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવે તેવું હાલ દેખાય રહ્યું છે. જેમાં અમિત શાહનું નામ જાહેર કરી દેવામાં આવશે. તેવું ચર્ચાય રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ગત રવિવારે ગુજરાતનો પ્રવાસ પૂર્ણ થતાની સાથે જ પ્રદેશ ભાજપ દ્વારા ગઇકાલથી તમામ 26 બેઠકો પર નિરિક્ષકો મોકલી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજ સાંજ સુધીમાં સેન્સ પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે છે. હાલ તેલંગણાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ગાંધીનગર પરત ફરશે. દરમિયાન સાંજે 7 વાગ્યાથી મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાન ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામોની પેનલ બનાવવા મથામણ કરવામાં આવશે.

સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ નિરિક્ષકો સમક્ષ આવેલા નામો પર ઉંડાણપૂર્વની ચર્ચા કરવામાં આવશે. જેમાં બેઠક વાઇઝ ચાર-ચાર નામોની પેનલ બનાવવામાં આવશે. આગામી 29મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનાર છે. જેમાં ગુજરાતની 26 બેઠકો માટે પણ મનોમંથન હાથ ધરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન ગાંધીનગર નવસારી લોકસભા બેઠક પર કોઇએ દાવેદારી કરી નથી. આવામાં આ બંને બેઠકો પર સિટીંગ સાંસદોના સિંગલ નામ છે. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઇ શાહ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ટિકિટ લગભગ ફાઇનલ માનવામાં આવી રહી છે. આ બંનેના નામો ઉમેદવારોની પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે.

તમામ જિલ્લાના પ્રભારી, પ્રમુખ, કલસ્ટર પ્રભારીઓને સાંજે ગાંધીનગરમાં હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. જે રિતે ભાજપ દ્વારા જોર-શોરથી ઉમેદવારોની પસંદગી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેના પરથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે.

પેનલમાં ફરજિયાત એક મહિલાનું નામ મૂકવા આદેશ

ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સેન્સ લેવામાં આવી હતી. દરમિયાન આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં તમામ 26 બેઠકો માટે સંભવિતોના નામોની પેનલ બનાવવામાં આવશે. પેનલમાં ફરજિયાત પણે એક મહિલાનું નામ મુકવા આદેશ આપવામાં આવ્યો છે. તમામ બેઠકો માટે ચાર-ચાર નામોની પેનલ બનાવવામાં આવશે.

કોંગ્રેસને વધુ એક ફટકો: પૂર્વ મંત્રી નારણ રાઠવાના કેસરિયા

ભાજપમાં ભરતી મેળો પુરજોશમાં ચાલુ: વિપક્ષના હજારો કાર્યકરો  – આગેવાનોના કેસરિયા

લોકસભાની ચૂંટણી પૂર્વ સત્તાધારી પક્ષ ભાજપના જોરશોરથી ભરતી મેળો ચાલુ રહ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે એક તરફ ગઇકાલે ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવી રહી છે. તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષના નેતાઓ માટે કમલમમાં લાલજાજમ પાથરી રહ્યું છે. આજે કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવા સહિતના 8 થી 10 હજાર રાજકીય આગેવાનો કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. આજે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની ઉ5સ્થિતિમાં તાજેતરમાં જ જેની રાજયસભાના સાંસદની છ વર્ષની ટર્મ પૂર્ણ થઇ છે અને યુ.પી.એ સરકારમાં મંત્રી રહી ચૂકયા નારણભાઇ રાઠવા ભાજપમાં જોડાઇ ગયા

હતા આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમદાવાદ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠથી દશ હજાર કાર્યકરો આગેવાનો અને સમર્થકોએ કેસરીયા કરી લીધા હતા.નારણ રાઠવા એક કદાવર આદિવાસી નેતા છે તેઓ આદિવાસી બેસ્ટમાં સારી એવી પકડ ધરાવી રહ્યા છે ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પાંચ લાખ મતોની લીડ સાથે જીતવા માટે ભાજપ દ્વારા ઓપરેશન તોડ જોડ શરુ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો માટે 80થી વધુ દાવેદારો: પેરાશુટ ઉમેદવારની પણ સંભાવના

રાજકોટ, પોરબંદર કે ભાવનગર બેઠક પરથી કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતારવાનો પણ વિકલ્પ ખૂલ્યો

સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની આઠ બેઠકો માટે ભાજપના પ્રતિક કમલ પરથી લડી સાંસદ બનવા માટે 80 થી વધુ નેતાઓએ પ્રદેશ નીરીક્ષકો સમક્ષ દાવેદારી રજુ કરી છે. ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક પરથી ચુંટણી લડવા સૌથી વધુ 18 નેતાઓએ દાવેદારી કરી છે. અમુક બેઠકો પર પેરાશુટ ઉમેદવારો પણ ઉતારવામાં આવે તેવી શકયતા જણાણ રહી છે.

રાજકોટ લોકસભા બેઠક પરથી ચુંટણી લડવા માટે સિટીંગ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ડો. ભરત બોધરા, જગદીશ કોટડીયા, ગોવિંદભાઇ પટેલ, પુષ્કરભાઇ પટેલ, મનિષભાઇ ચાંગેલા, જયંતિભાઇ ફળદુ, બ્રિજેશ મેરજા, ડો. દિપીકાબેન સરડવા, કિરણબેન માંકડીયા, જયોતિબેન ટિલવા, સોનલબેન સાપોવડીયાના નામોની સેન્સ ગઇ છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલાનું નામ પણ ચાલી રહ્યું છે.

પોરબંદર બેઠક માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીય ઉપરાંત ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, પૂર્વ ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, કરશનભાઇ ઓડેદરા, જશુબેન કોરાટ,  પ્રશાંત કોરાટ, અલ્પેશભાઇ ઢોલરીયા, મનસુખભાઇ ખાચરીયા, રમેશભાઇ ધડુક સહીતના નેતાઓના નામની સેન્સ નીરીક્ષકો સમક્ષ ગઇ હતી. સુરેન્દ્રનગર બેઠક માટે 1ર જેટલા નામો આવ્યા હતા. જેમાં સિટીંગ સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુજપરા, ઉપરાંત લાલજીભાઇ મેર, પરસોતમભાઇ સાપારિયા અને પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડના નામની સેન્સ ગઇ છે.

ભાવનગર બેઠક માટે સિટીંગ સાંસદ ભારતીબેન શિયાળ ઉપરાંત ડો. મનસુખ માંડવીયા, ગોરધનભાઇ ઝડફિયા, આર.સી. મકવાણા, મહેન્દ્રભાઇ સરવૈયા સહિતના સાતેક નેતાઓએ દાવેદારી રજુ કરી છે. જુનાગઢ બેઠક માટે રાજેશભાઇ ચુડાસમા ઉપરાંત ડોલરભાઇ કોટેચા, જયોતિબેન વાછાણી, ભાવનાબેન હીરપરા,  નિલેશ ધુલેશીયા, કીરીટભાઇ પટેલ, કે.સી. રાઠોડ, જશાભાઇ બારડ સહીતના દશેક જેટલા નામોની સેન્સ નીરીક્ષકો સમક્ષ આવી હતી.

અમરેલી લોકસભા બેઠક માટે સીટીંગ સાંસદ નારણભાઇ કાછડીયા  ઉપરાંત ગોપાલ વસ્તાપરા, સુરેશ પાનસેરિયા, મુકેશભાઇ સેવાણી સહિત 8 થી 10 નામોની સેન્સ આવી છે. જામનગર લોકસભા બેઠક પરથી ચુંટણી લડવા માટે સાંસદ પુનમબેન માડમ ઉપરાંત ધારાભ્ય રીવાબા જાડેજા સહિત કુલ 10 જેટલા આગેવાનોએ નિરીક્ષકો સમક્ષ ઇચ્છા વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.