ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણી પૂર્વે રાજયમાં વારંવાર અને ઝડપથી બદલાતા રાજકીય સમીકરણોના લીધે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપ બન્ને પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને જુદા જુદા કારણોસર વિલંબમાં મુકી છે
ઉમેદવારોના નામની પેનલ બનાવવા તા.૧૦થી ૧૨ નવેમ્બર સુધી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અધ્યક્ષ સ્થાને એટલે કે, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બાદ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ અપાશે. વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે બન્ને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સસ્પેન્સનો માહોલ બની રહ્યો છે. આ દરમિયાન તા.૧૦ થી ૧૨ નવેમ્બર સુધી અહીં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. જેમાં મુરતીયાઓની ફાઈનલ યાદી તૈયાર થશે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, એક તરફ કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલન સમીતી સાથે અગત્યની બેઠક આજે છે. ત્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ ખુબજ અગત્યની બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે, ભાજપે પણ જે પાણીએ લોટ બંધાય તે કહેવત મુજબ રણનીતિ નક્કી કરવી પડશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં યોજાનાર છે. આ ચૂંટણી પૂર્વે રાજ્યમાં વારંવાર અને ઝડપથી બદલાતા રાજકીય સમીકરણોના લીધે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપ બન્ને પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને જુદા જુદા કારણોસર વિલંબમાં મુકી રહી છે. સામાન્ય રીતે આવી પ્રક્રિયામાં હંમેશા આગળ રહેતા ભાજપે દિવાળી પછી તુરત જ છ દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂરી કર્યા પછી હવે નવેસરથી ૧૦થી ૧૨ એમ ત્રણ દિવસ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને બેઠક યોજવાની છે. આ બેઠકમાં પેનલો તૈયાર કરાશે. આ પેનલ ૧૪-૧૫ નવેમ્બર દરમિયાન દિલ્હીમાં મળનારી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા વિચારણા પછી તબક્કાવાર ૯ ડિસેમ્બરે મતદાન થવાનું છે તેવા સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ઉમેદવારો જાહેર થશે.
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે જ્યારે પાટીદાર આંદોલન થકી સમગ્ર રાજ્યને ધમરોળનાર હાર્દિક પટેલ પણ કોંગ્રેસ તરફી ઝુકાવ જાહેર કરી ચૂક્યા છે. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસને પોતાના મુદ્દાઓ આપ્યા છે. આ ત્રણેય યુવા નેતાઓના આંદોલનો અને ચૂંટણી ટાણે કોંગ્રેસ તરફી ઝુકાવથી ભાજપના વિકાસના મુદ્દાને બદલે હવે જાતિવાદી રાજકારણ ગરમાયું છે. આ પરિસ્થિતિમાં ભાજપની રણનીતિમાં કેટલાક ફેરફારો કરવા પડે તેમ હોવાથી ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજ્યભરનો પ્રવાસ શરૂ કર્યો છે.