રાજ્યની ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયત માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. આવતા સપ્તાહથી ચૂંટણીનું સત્તાવાર જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ જશે. દરમિયાન પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયત માટે ઉમેદવારોની પસંદગી કરવા આગામી શનિવારથી સતત ચાર દિવસ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળશે જેમાં રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારી પસંદગી માટે રવિવારે સવારે ૯:૩૦ કલાકે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આજે સાંજે મહાપાલિકા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાયા બાદ કાલે એક દિવસ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય વિરામ લેશે અને શનિવારથી ફરી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટેના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટેની કાર્યવાહી શ કરી દેવામાં આવશે. આવતા સપ્તાહે ભાજપ દ્વારા પંચાયત અને પાલિકા માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નવા નિયમો જાહેર કરાયા બાદ સેન્સ પ્રક્રિયા દરમિયાન જે કાર્યકરોએ ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યકત કરી હતી અને તેઓના નામ પેનલમાં મુકવામાં આવ્યા હતા પરંતુ જે કાર્યકર નિયમમાં બંધ બેસતો હોય તેના નામો પેનલમાંથી કાઢવા માટે ફરીથી સંકલન સમીતીની બેઠક બોલાવી પડી હતી.
ભાજપના ઉમેદવારો કાલે શુભ વિજય મુહૂર્તે ઉમેદવારી ફોર્મ ભરશે
સવારે ૧૧ કલાકે બહુમાળી ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ નામાંકન પત્ર ફાઈલ કરશે
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ દ્વારા આજે રાજકોટના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે ૧૧ કલાકે બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ ભાજપના તમામ ૭૨ કોર્પોરેટરો ૧૨:૩૦ કલાકના શુભ વિજય મુહૂર્તે નામાંકન ફાઈલ કરશે. તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથો સાથ કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરીને ઉમેદવારી ફોર્મ અલગ અલગ વોર્ડના ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાશે તેવું તેઓએ જણાવ્યું છે. ભાજપના અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહી કાર્યકર્તાને યોગ્ય માર્ગદર્શન આપશે.