જૂના કાર્યકરોની સતત અવગણનાથી આત્માને ઠેંસ પહોંચતા વડોદરાના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામુ: જો કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ હજી રાજીનામું નથી સ્વીકાર્યું
ગુજરાતમાં મજબૂત સંગઠન માળખુ ધરાવતા ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા ભરતી મેળાથી હવે પક્ષના પાયાના કાર્યકરોમાં અસંતોષની આગ ફાટી નિકળી છે. વડોદરામાં ભાજપમાં ચાલતો અસંતોષનો ચરૂ વધુ ઉકળ્યો છે. આજે વડોદરાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતું. જો કે, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ રાજીનામાનો સ્વીકાર કર્યો નથી.
વડોદરા બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા અસંતોષની આગ ફાટી નીકળી છે. રંજનબેનનો વિરોધ કરનારા જ્યોતિબેન પંડ્યા ને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન આજે વડોદરાની સાવલી બેઠકના ભાજપના સિનિયર ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપ્યું હતું. તેઓ અગાઉ પણ એમએલએ પદેથી રાજીનામુ આપી દીધું હતું.
ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કેતન ઇનામદારે જણાવ્યું હતું કે ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા ભરતી મેળાથી મારા સહિતના પક્ષના અનેક કાર્યકરો અને આગેવાનો ભારોભાર નારાજ છે. પક્ષમાં જૂના અને વફાદાર કાર્યકરોનું માન-સન્માન જળવાતું નથી. નવા કાર્યકરો આવતા જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવે છે અને તેઓને અન્યાય કરવામાં આવે છે. અનેક કાર્યકર્તાઓના આત્મા-સન્માનને ઠેંસ પહોંચી રહી છે.
મેં પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ આ અંગે અનેક વખત રજૂઆત કરી હતી. મારા આત્મા સન્માનને ઠેંસ પહોંચતા મે આત્મ અવાજ સાંભળી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. જો કે, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા હજી સુધી રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ ઘટના સંદર્ભ વડોદરાના સાંસદ અને લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે કેતનભાઇ ઇનામદારે રાજીનામુ આપી દીધું હોવાની વાતની મને ખબર નથી. મારો તેમની સાથે સંપર્ક થઇ શક્યો નથી.
ભાજપના અડિખમ ગઢ મનાતા વડોદરા શહેરમાં લોકસભાની આગામી ચૂંટણી માટે સિટીંગ સાંસદ રંજનબેન ભટ્ટને ફરી રિપીટ કરતા અસંતોષની આગ ફાટી નિકળી છે. મહિલા મોરચાના આગેવાન જ્યોતિબેન પંડ્યાએ પક્ષના આ નિર્ણય સામે અવાજ ઉઠાવતા તેઓની સામે ગેરશિસ્ત હથિયાર ઉગામી ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનાનો પડઘો પડ્યો હોય તેમ કેતનભાઇએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ ફગાવી દીધું છે.
ભાજપમાં ચાલતા ભરતી મેળાથી પક્ષના પાયાના સંનિષ્ઠ અને જૂના કાર્યકરોના દિલ ભારોભાર દુભાય રહ્યા છે. આગામી દિવસોમાં અનેક અસંતુષ્ઠો ખૂલ્લીને બહાર આવે તેવી સંભાવના પણ નક્કારી શકાતી નથી.
કેતન ઇમાનદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યાની ગણતરીની કલાકોમાં સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાલજીભાઇ રબારીએ રાજીનામુ આપી દીધું હતું. દરમિયાન તાલુકાના સંગઠનના હોદ્ેદારો અને માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટરો પણ રાજીનામા આપવાના મૂડમાં છે.