કોંગ્રેસની ફ્લાઈંગ સ્કવોડનો સપાટો: પોલીસ તંત્ર જવાબદાર અધિકારીઓને દોડાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ દ્વારા આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ કરતા હોય જે પગલે શહેર કોંગ્રેસ સમિતિના ફ્લાઈંગ સ્ક્વોડના આગેવાનોએ કંટ્રોલ રૂમમાં બેસી અને જરૂર જણાયે સ્થળ પર જઈ પોલીસ તંત્ર અને જવાબદાર અધિકારીઓને પોતાની નૈતિક ફરજનું ભાન કરાવ્યું હતું.
વિધાનસભા 69 માં ટી. એન. રાવ કોલેજ ની સામે એક 100 મીટર ની અંદર ભાજપની છત્રી, તોરણ ટેબલમાં ભાજપનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો હતો તદુપરાંત રૈયા ચોકડી, રૈયા ગામ તરફ આર.એમ.સી. ક્વાર્ટર પાસેના બૂથ પર પણ ભાજપની કમળની પ્રતિક વાળી છત્રી અને ભાજપના તોરણ દ્વારા ટેબલ પર 100 મીટરની ત્રિજ્યામાં પ્રચાર કરાતો હતો.
રાજકોટ 70 માં કેવડાવાડી 11 પાસેના બૂથમા 51 નંબરની શાળામાં આપ પક્ષનું ટેબલ 100 મીટર ની અંદર હોય જે હટાવવા ફ્લાઈંગ સ્ક્વોડના બીજલભાઇ ચાવડીયા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને વોર્ડ નંબર સાતના વિરાણી હાઇસ્કુલ બુથની બાજુમાં જ ચોકમાં 100 મીટર ની અંદર ભાજપના વિધાનસભા 70 ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાનું મુખ્યમંત્રીના અને વડાપ્રધાનના ફોટા સાથેનું બેનર સંતોષ હેર સલૂનની ઉપર લગાવેલ હતું જેની રાજકોટ શહેર પોલીસ કંટ્રોલમાં ફરિયાદ કરવામાં આવી હતી.
લક્ષ્મીવાડી મેઇન રોડ પર રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રના બુથ ની સામે જ પુજારા પ્લોટમાં વિપુલ પાન પર અને 100 મીટરમાં ધર્મપ્રિય ડેરી ઉપરના ફ્લેટમાં ભાજપના કમળની પ્રતિક વાળી ઝંડીઓ હોય અને મિલપરા મેઇન રોડ અને કેનાલ રોડ ના કોર્નર પર બાપાસીતારામ કોલ્ડ્રિંક્સ અને જોકર ગાંઠિયા ની દુકાન પર બુથની તદ્દન નજીક 100 મીટરમાં કમળના પ્રતિકવાળી ઝંડીઓ લાગેલી હોય જે અંગે ફ્લાઈંગ સ્કવોડ દ્વારા રાજકોટ શહેર પોલીસના કંટ્રોલરૂમ પર ફરિયાદો કરવામાં આવી હતી. આ પ્રકારે શહેરભરમાં શાસક પક્ષના આદેશથી સતાધીશોની સીધી દોરવાણી હેઠળ ભાજપનો પ્રચાર કરવાની જાણે કે છૂટ હોય એ પ્રકારે ખૂદ સરકારી તંત્ર ભાજપની પડખે હોય અને અધિકારીઓ ભાજપની ચાપલૂસી કરતા હોય એવો આભાસ થતો હતો.
કંટ્રોલ રૂમમાં કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, એન.એસ.યુ.આઈના મયુરભાઈ ખોખર, કડવા પાટીદાર સમાજના મોભી ક્રિષ્ના પાર્ક વાળા હરિભાઈ પટેલ, પ્રવીણભાઈ મણવર, દિનેશભાઈ કણસાગરા, કિશોરભાઈ મોરી, મિલનભાઈ ગોસાઈ, જનકભાઈ માળી, સંજયભાઈ હિરાણી, અલકાબેન ગોટી, હબીબભાઈ કટારીયા, પ્રતિમાબેન વ્યાસ, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ ઘરસંડીયા, વાસવીબેન સોલંકી સહિતના શહેર કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.