ભાજપના ઉમેદવાર નીતિન રામાણી ગુરુવારે બપોરે ૧૨:૩૯ કલાકના શુભવિજય મુહૂર્તે ફોર્મ ભરશે: કોંગ્રેસ તરફથી વિપુલ ચોવટીયા, યોગીન છનીયારા અને નરસિંહભાઈ પટોળીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા
વોર્ડ નં.૧૩ના કોર્પોરેટરપદેથી નિતીનભાઈ રામાણીએ રાજીનામું આપતા ખાલી પડેલી એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ પેટાચુંટણી યોજાવાની છે. આજે જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થઈ જવા પામી છે. વોર્ડ નં.૧૩ના ઉમેદવાર તરીકે ભાજપે આજે નિતીનભાઈ રામાણીના નામની સતાવાર જાહેરાત કરી દીધી છે. તેઓ આગામી ગુરુવારે શુભવિજય મુહૂર્તે ઉમેદવારી ફોર્મ ભરશે. દરમિયાન કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતા. એક ઉમેદવારનું નામ ફાઈનલ થયા બાદ બાકીના બે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેશે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ આજે વોર્ડ નં.૧૩ માટે ભાજપના ઉમેદવાર તરીકે નિતીનભાઈ રામાણીના નામની સતાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર તરીકે આગામી ગુરુવારે નિતીનભાઈ રામાણી ફોર્મ ભરશે. આ પૂર્વે સવારે ૧૧:૩૦ કલાકે બહુમાળી ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવશે. શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુતે જણાવ્યું હતું કે, આજે વોર્ડ નં.૧૩ની પેટાચુંટણી માટે કોંગ્રેસે વિપુલભાઈ ચોવટીયા, યોગીનભાઈ છનીયારા અને નરસિંહભાઈ પટોળીયા એમ ત્રણ ઉમેદવારોને ફોર્મ ભરાવ્યા છે. પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા કોઈ એક ઉમેદવારનું નામ ફાઈનલ થયા બાદ બાકીના બે ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેશે. ફોર્મ ભરતા પૂર્વે કોંગ્રેસ દ્વારા સ્વામિનારાયણ ચોકથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.