- શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ: સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાતની શક્યતા, રોડ-શોનો રૂટ પણ ફાઇનલ કરી દેવાશે
ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. ચૂંટણીના આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલથી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માદરે વતનમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શુક્રવારે રાજકોટની મુલાકાતે આવે તેવી સંભાવના જણાઇ રહી છે. તેઓ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં એક વિશાળ રોડ-શો યોજે તેવી શક્યતા શહેર ભાજપના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના 48 કલાક અગાઉ પ્રચાર-પ્રસાર બંધ કરી દેવાનો હોય છે. આગામી રવિવારે સાંજે પ્રચારના ભૂંગળા શાંત થઇ જશે. તે પૂર્વે મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોના નેતાઓ અને ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આગામી શનિવારે સૌરાષ્ટ્રના ચૂંટણીલક્ષી પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમરેલીમાં ચૂંટણી સભા સંબોધશે અને રાજકોટમાં વિશાળ રોડ-શો યોજે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષના પ્રવાસને લઇને શહેર ભાજપ દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે.
જે.પી.નડ્ડાનો સવારના સમયે રોડ-શો યોજાશે કે સાંજના સમયે રોડ-શો કરશે. તે સમય ઉપરાંત રોડ-શોનો રૂટ સાંજ સુધીમાં લગભગ ફાઇનલ કરી દેવામાં આવશે. હાલ જણાતી શક્યતા મુજબ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રોડ-શો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળાના આકરા તડકામાં રોડ-શોમાં મેદની એકત્રિત કરવી મોટો પડકાર સમાન છે. આવામાં સાંજના સમયે રોડ-શો કરવાની ગણતરી હાલ ચાલી રહી છે. રાજકોટમાં હજુ સુધી ભાજપ કે કોંગ્રેસ એકપણ પક્ષના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવ્યા નથી. દરમિયાન શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે દ્વારા ઢેબર ચોક ખાતે ચૂંટણી સભા યોજવાના છે. જ્યારે બીજા જ દિવસે એટલે કે શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વિશાળ રોડ-શો યોજશે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર-પ્રસારનો માહોલ ચરમસીમાએ પહોંચી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ-2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે જ જે.પી.નડ્ડા રાજકોટના પ્રવાસે આવ્યા હતા. તેઓએ ભાજપના ચારેય ઉમેદવારોના સમર્થનમાં રેસકોર્ષ મેદાન ખાતે જંગી ચૂંટણી સભા સંબોધી હતી. દોઢ વર્ષના અંતરાલ બાદ તેઓ ફરી રાજકોટમાં ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. મંગળવારે લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે ત્યારે આગામી રવિવારે સાંજે પ્રચાર-પ્રસાર બંધ થઇ જશે.