ત્રણ દિવસના બદલે એક જ દિવસનો ગુજરાત પ્રવાસ: સંગઠનના હોદેદારો, મંત્રી, સાંસદ, ધારાસભ્યો સાથે બેઠક: કાર્યકરોને પણ સંબોધશે
અબતક, રાજકોટ
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતા ભાજપના મોટા નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વઘ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ત્રણ દિવસ સુધી ગુજરાતના મહેમાન બન્યા બાદ હવે આગામી શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની મુલાકાતે આપી રહ્યા છે. જયારે શનિવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ગુજરાતમાં આવી રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અગાઉ ર9 એપ્રીલથી 1 મે સુધી ગુજરાતના પ્રવાસે આવવાના હતા પરંતુ તેઓના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયો છે. હવે તેઓ ત્રણ દિવસના બદલે માત્ર એક દિવસ માટે જ ગુજરાતના પ્રવાસે આપી રહ્યા છે. શુક્રવારે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું આગમન થશે. તેઓ સવારે ભાજપ કાર્યાલય ખાતે મંત્રી મંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, વિવિધ સંઘ અને મોરચાના હોદેદારો સહિત 700 થી વધુ લોકો સાથે બેઠક યોજાશે.
ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યુનિવર્સિટી ક્ધવેન્શન સેન્ટર ખાતે 7500 જેટલા મંડળોના પ્રમુખ સહિતના હોદેદારોના સંમેલનમાં હાજરી આપશે. સાંજે વડોદરા ખાતે વૈષ્ણવ સંપ્રદાયના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે તેઓ ગુજરાતમાં રાત્રી રોકાણ કરશે અને 30મીએ સવારે પ્રદેશ ભાજપના આગેવાનો અને કોર ટીમના સભ્યો આજે ચુંટણી લક્ષી બેઠક યોજાશે.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતથી દિલ્હી પહોચતાની સાથે જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ 30મી માદરે વતન ગુજરાતમાં ધામા નાંખશે તેઓની આ મુલાકાત પણ ચુંટણી લક્ષી મનાઇ રહી છે. ચુંટણી વર્ષમાં માત્ર ભાજપ જ નહી તમામ રાજકીય પક્ષના મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વઘ્યા છે. આમ આદમી પાર્ટીના ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1લી મે અર્થાત ગુજરાતના સ્થાપના દિને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વઘ્યા છે.