મંગળવારે બપોરે 2 વાગ્યે રાજકોટમાં સંમેલન બાદ ચાર વાગ્યે મોરબીમાં વિશાળ રોડ-શો: ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે ફરી એક વખત ગુજરાતનો ગઢ સર કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ એડીચોંટીનું જોર લગાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છાશવારે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. દરમિયાન આગામી 20મી સપ્ટેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતમાં આવી રહ્યા છે. તેઓ રાજકોટ ખાતે રાજ્યભરના ચૂંટાયેલા પ્રતિનિધિઓના એક વિશાળ સંમેલનને સંબોધશે. ત્યારબાદ તેઓ મોરબીમાં પણ વિશાળ રોડ-શો કરવાના છે. રાષ્ટ્રીય અધ્યક્ષને ઉમળકાભેર આવકારવા માટે શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે શહેર ભાજપના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આગામી 20મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
તેઓનું બપોરે રાજકોટ ખાતે આગમન થશે. રેસકોર્ષ ખાતે તેઓ રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા જેવી કે મહાનગર પાલિકા, નગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓના એક વિશાળ સંમેલનને સંબોધશે. જેમાં રાજ્યભરમાંથી અંદાજે 15 હજારથી પણ વધુ લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના જણાઇ રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની રાજકોટ ખાતેની મુલાકાત અને સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત મંત્રી મંડળના તમામ સભ્યો, સંગઠનના હોદ્ેદારો, ભાજપના સાંસદો, ધારાસભ્યો, તમામ જિલ્લાના પ્રમુખ સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહેશે. હાલ શહેર ભાજપ દ્વારા સંમેલનને લઇ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બપોરે બે કલાકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા રાજકોટમાં સંબોધન સંબોધ્યા બાદ બપોરે ચાર કલાકે મોરબીમાં વિશાળ રોડ-શો યોજશે.
વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના આંટાફેરા ગુજરાતમાં સતત વધી રહ્યા છે. ઓક્ટોબર માસના બીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૌરાષ્ટ્રની બે થી ત્રણ દિવસની મુલાકાતે આવે તેવી શક્યતા હાલ જણાઇ રહી છે.