રાત્રે ૯:૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ: કાલે અમદાવાદ તથા ગાંધીનગર ખાતે વિવિધ લોકાર્પણ તથા જીટીયુના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે
ગાંધીનગરના સાંસદ, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે રાત્રે ૯:૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે, ત્યારબાદ તા. ૧૧ જાન્યુઆરીના રોજ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં તથા જીટીયુના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે અને તા.૧૨ જાન્યુઆરીના વહેલી સવારે તેઓ પરત દિલ્હી જવા રવાના થશે. તેમ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
અમિતભાઈ શાહ તા.૧૧ જાન્યુઆરીના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગૃહવિભાગ દ્વારા સાયબર ક્રાઈમના ડીટેકશન માટે તેમજ અન્ય ગુનાઓના ઝડપી ઉકેલ માટે વિવિધ પ્રકારની એપ્લીકેશન બનવવામાં આવી છે તેના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે તેમજ પોસ્ટ વિભાગ દ્વારા દિવ્યાંગો માટે બ્રેઇલલીપીમાં તૈયાર કરવામાં આવેલ બુકલેટ અને સાહિત્યનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ૧૨:૦૦ કલાકે ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા રેલ્વે સ્ટેશન્સ પર લોકોની સગવડ અને સુવિધાઓમાં વધારો કરતી વિવિધ સેવાઓનું લોકાર્પણ કરશે. અમિતભાઈ શાહ તા.૧૧ જાન્યુઆરી બપોરે ૧૨:૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન પર નિર્મિત બહુઆયામી અને જનસેવાના કાર્યોની ગતિશીલતા માટે અત્યંત ઉપયોગી એવા સી. એમ. ડેશબોર્ડની મુલાકાત લઇ તેના દ્વારા થઇ રહેલી પ્રજાલક્ષી કામગીરી તથા ૨૪ કલાક મોનીટરીંગ સીસ્ટમ અને કોલ સેન્ટરનું નિરીક્ષણ કરશે.
ત્યારબાદ બપોરે ૩:૦૦ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૬:૦૦ કલાકે અમિતભાઈ શાહ પોતાના મતક્ષેત્ર એવા નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પાછળ, નરનારાયણ પ્લોટ,અમદાવાદ ખાતે વિવિધ સોસાયટીઓના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.