અમિત શાહના રોડ-શોમાં રાજયભરના ભાજપના કાર્યકરો જોડાશે

ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ફરી કમળ ખીલવવા માટે ભાજપે એક ખાસ પ્રકારની રણનીતિના ભાગપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતીય રાજનીતિના ચાણકય ગણાતા અમિતભાઈ શાહને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચુંટણી લડાવવાની ઘોષણા કરી છે. આગામી ૩૦મી માર્ચના રોજ અમિતભાઈ ઉમેદવારી ફોર્મ ભરે તેવી સંભાવના જણાઈ રહી છે. આ પૂર્વે તેઓ શકિત પ્રદર્શનના ભાગરૂપે એક વિશાળ રોડ-શો કરશે જેમાં રાજયભરના ભાજપના કાર્યકરો જોડાશે.

ગુજરાતની રાજધાની ગાંધીનગર લોકસભા બેઠક પરથી વર્ષોથી ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ચુંટણી લડતા હતા. આ બેઠકને ભાજપનો અડિખમ ગઢ માનવામાં આવે છે. ૨૦૧૯ની ચુંટણીમાં ભાજપે ગાંધીનગર બેઠક પરથી એલ.કે.અડવાણીનું પતુ કાપી તેના સ્થાને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે ત્રીજા તબકકામાં ૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. આગામી ૨૮મી માર્ચના રોજ ચુંટણીનું વિધિવત જાહેરનામું પ્રસિઘ્ધ થવાનું છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આગામી ૩૦મી માર્ચના રોજ ઉમેદવારી ફોર્મ ભરે તેવી સંભાવના છે. ઉમેદવારીપત્ર ભરતા પૂર્વે તેઓ એક વિશાળ રોડ-શો યોજશે જેમાં રાજયભરમાંથી ભાજપના કાર્યકરો રોડ-શોમાં બહોળી સંખ્યામાં ઉમટી પડશે. અમિતભાઈ શાહ પર દેશભરમાં જાહેરસભા સંબોધવા અને વ્યુહરચના ઘડવા સહિતની અનેક જવાબદારી હોવાના કારણે તેઓ ગાંધીનગરમાં ચુંટણી પ્રચાર માટે ખુબ જ ઓછો સમય ગાળશે. આવામાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ જ શકિત પ્રદર્શન કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.