- કેવડીયા ખાતે ST મોરચાની બેઠકમાં ભાગ લેશે: કામગીરીની સમીક્ષા પણ કરશે
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની કિશાન મોરચા સાથે બેઠક
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.તેમ તેમ સતાધારી પક્ષ ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનાં આંટા ફેરા ગુજરાતમા સતત વધી રહ્યા છે. ગત સપ્તાહે બે દિવસ માટે ઓચિંતી અને અણધારી ગુજરાતની મુલાકાતે આવી ચડેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી.એલ. સંતોષે આજથી ફરી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે. કેવડીયા કોલોની ખાતે ભાજપના એસ.ટી. મોરચાની બેઠકમાં તેઓ સામેલ થશે. અને મોરચાની કામગીરીની સમીક્ષા કરશે.
આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીમાં રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફુંકી દીધું છે.જેની સામે ભાજપને આજથી કેવડીયામાં એસ.ટી. મોરચાની ત્રણ દિવસની બેઠકનું આયોજન કર્યું છે.
ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી.એલ. સંતોષ એસ.ટી. મોરચાની કામગીરીની સમીક્ષા કરશે. સાથોસાથ આગેવાનો સાથે બેઠક પણ યોજાશે. દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આજે કિશાન મોરચાના હોદેદારો સાથે બેઠક બોલાવી છે જેમાં ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરવામાં આવશે.