હાપુડઃ ઉત્તર પ્રદેશના જનપદ હાપુડના દેહાત થાના ક્ષેત્રના પેટ્રોલ પંપ પર ભાજપ નેતા અને સદર ભાજપ ધારાસભ્ય વિજયપાલ આઠતીના ગનરની દબંગાઇની એક ઘટના સામે આવી છે. ભાજપ નેતાના ગનરે પેટ્રોલ પંપ કર્મચારી સાથે જાહેરમાં મારપીટ કરી એટલું જ નહીં આ મારપીટની ઘટના દરમિયાન ધારાસભ્ય પણ હાજર હતા પરંતુ તેઓ મામલો થાળે પાડવાની જગ્યાએ મુકપ્રેક્ષક બની જોતા રહ્યાં હતા. તો કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યની સાથે ચાલી રહેલા એક અન્ય ભાજપ નેતાએ પણ પેટ્રોલપંપ કર્મી સાથે મારપીટ કરી હતી.
વિજય પાલ આઢતી હાપુડ સીટ પરથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ ભાજપના નેતા તથા ગનર સાથે દેહાત થાના ક્ષેત્રમાં આવેલા પેટ્રોલ પંપ પર ઉભા હતા. કોઇ વાતનેલ ઇને ધારાસભ્યના ગનર તથા પેટ્રોલ પંપ પર કામ કરી રહેલા કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં ગનરે પેટ્રોલ પંપ કર્મચારીને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય ત્યાં ઉભા ઉભા તમાશો જોઇ રહ્યાં હતા. તેઓએ પોતાના ગનરને રોકવા કે મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો ન હતો.
પેટ્રોલ પંપ પર બનેલી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. બીજી બાજુ સમગ્ર મામલે પેટ્રોલપંપના માલિકે મીડિયા સમક્ષ કંઇ બોલવાની મનાઇ કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જે યુવક સાથે મારપીટ થઇ એ સિંભાવલીનો રહેવાસી છે અને રજા પર ઉતરી ગયો છે.
તો આ મામલે ભાજપના ધારાસભ્ય વિજય આઢતીએ જણાવ્યું કે અમે છાવની જઇ રહ્યાં હતા, ગાડીમાં પેટ્રોલ ભરાવવા માટે 3000 રૂપિયા આપ્યા જેમાંથી પેટ્રોલ પંપ કર્મચારીએ 2500 રૂપિયાનું તેલ નાખ્યું અને દીવાનજી સાથે બોલાચાલી કરી તેમની વર્દી પકડી લીધી અને ગાળો આપવા લાગ્યો. જેથી નારાજ થઇને દીવાન જીએ તેને માર માર્યો. આ દરમિયાન હાજર લોકો વચ્ચે પડ્યા તો તેમની સાથે પણ ગાળાગાળી કરી. તો નેતાજીએ વધુમાં કહ્યું કે મારી સુરક્ષા માટે ગનર મારી સાથે રહે છે, શું તે ગાળ સાંભળશે કે મારી સાથે મારપીટ થતી જોઇ શકશે ? આથી તેણે મારપીટ કરી.