વોર્ડ નં.૬માં એક વર્ષથી કામો થતા ન હોવાનો આક્ષેપ
જસદણ નગરપાલિકા વોર્ડ નં.૬ના ચાર સદસ્યો પોતાની છેલ્લા એક વર્ષની પડતર માંગણી પુરી થયેલ ન હોવાથી આગામી તા.૨૨ને શુક્રવારના રોજ નગરપાલિકાના પટાંગણમાં ધરણા કરશે એવી જાહેરાત આજે તા.૧૬ના રોજ ભાજપ અગ્રણી રાજુભાઈ ધાધલે કરી હતી.
જસદણ નગરપાલિકામાં કૌભાંડ ગેરરીતિ ભ્રષ્ટાચાર સામે કોઈ પગલા ભરવામાં આવતા નથી એવો સુર ખુદ ભાજપ શાસિત પાલિકા કારોબારી ચેરમેન બીજલ ભેંસજાળીયાએ વહેતો કર્યો તે સમાચારની હજુ શાહી સુકાઈ નથી ત્યાં વોર્ડ નં.૬ના ભાજપના સદસ્યો રાજુભાઈ ધાધલ, સોનલબેન વસાણી, મીઠાભાઈ છાયાણી, વર્ષાબેન સખીયા તા.૨૨થી પોતાના પડતર કામો થતા ન હોય તેથી ઉપવાસ આંદોલન કરશે.
આ અંગે જરૂરી પરવાનગી પણ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે ત્યારે પાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી અને છેક દિલ્હી સુધી ભાજપનું શાસન હોવા છતાં ખુદ ભાજપના જ સદસ્યો છેલ્લા એક વર્ષથી ગેરરીતિ કૌભાંડ, ભ્રષ્ટાચાર આ ઉપરાંત પોતાના વિસ્તારોમાં કામ થતા ન હોવાની ફરિયાદ કરે છે ત્યારે જસદણના નાગરિકોની હાલત શું થતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.