મહામહેનતે કમળ ખીલ્યું, કાદવ ઉછાળી તેની સુંદરતા હણવાનો હીન પ્રયાસ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રથમ મુલાકાત હોય, આગળ ચાલીને પોતાનું વજન બતાવવાની હોડ લાગી : અનેક નેતાઓના અપમાન થયા
વિજયભાઈ જતા જ સૌરાષ્ટ્રના નેતાઓ શિસ્તના પાઠ ભૂલી ગયા, હવે બધાને સાચવવા અઘરા સાબિત થશે
અબતક, રાજકોટ : ગુજરાતમાં કમળ ખીલાવવા માટે સેંકડો નેતાઓએ પોતાનો જીવ રેડી દીધો છે. મહામહેનતે આ કમળ ખીલ્યું છે. ત્યારે હવે આ ખીલેલા કમળ ઉપર કાદવ ઉછાળવાનો હીન પ્રયાસ થઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. કારણકે ગઈકાલે જ્યારે નવા સીએમ રાજકોટ અને જામનગર આવ્યા હતા. ત્યારે બન્ને સ્થળોએ ભાજપના નેતાઓએ પ્રોટોકોલ ભૂલી નવા સીએમને વ્હાલા થવા રીતસરની પડાપડી કરી હતી. અનેક નેતાઓ ધરાર આગળ થઈને પોતે વજન વાળા હોવાના ડોળ ઉભા કરતા નજરે પડ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગઈકાલે રાજકોટ અને જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ બન્ને શહેરોમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને પુરગ્રસ્ત વિસ્તારોની વિઝીટ પણ કરી હતી. તેઓએ પુરથી થયેલી નુકસાનીનું જાતે નિરીક્ષણ કર્યું હતું. પણ આ મુલાકાતમાં બન્ને સ્થળોએ એક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં નેતાઓ દ્વારા સીએમને વ્હાલા થવા માટે પડાપડી કરવામાં આવી હતી. આ પડાપડીમાં નેતાઓ ભાન ભૂલ્યા હોય ભાજપની આબરૂના લીરા ઉડયા હતા.
સીએમ ભુપેન્દ્ર પટેલ જ્યારે જામનગર ગયા ત્યારે એક દ્રશ્ય જોવા મળ્યું હતું કે સીએમની સાથે બધા નેતાઓ હતા. માત્ર મેયર જ ન હતા. આ મામલે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે મેયર તો સીએમના કોનવેમાં ફસાઈ ગયા હતા. જેથી તેઓને આવવામાં મોડું થઈ ગયું હતું. હવે આ ઘટનાએ સૌને આશ્ચર્ય જગાવ્યું છે. મુખ્યમંત્રી શહેરમાં હોય અને શહેરના પ્રથમ નાગરિકને જો કોનવેમાં ફસાવું પડે તો તે તેમના હોદાનું અપમાન છે. આ ઉપરાંત જામનગર શહેરમાં બીજું પણ એક દ્રશ્ય જોવા મળ્યું હતું કે મુખ્ય સચિવ પંકજ કુમાર નેતાઓની સાથે બેઠા હતા. તેઓ ખુરશીમાં જે રીતે બેઠા હતા. તેનાથી નેતાઓની ગરીમાં ન જળવાતી હોય તેવુ સ્પષ્ટ પણે લાગી રહ્યું હતું.
બાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે પણ મેયરની ગરીમાં ન જળવાઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. મેયરની પહેલા બીજા નેતાઓ આગળ આગળ ચાલ્યા હતા. આ ઉપરાંત લોધિકા તાલુકાની મુલાકાત વેળાએ પણ ભાજપના સાંસદ અને બીજા એક નેતા વચ્ચે બોલાચાલી થઈ હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. જો કે ભાજપના નેતા મીડિયાનું રેકોર્ડીંગ ચાલુ હોવા છતાં બોલાચાલી કરતા નજરે પડ્યા હતા.
મુખ્યમંત્રી તરીકે જ્યારે વિજયભાઈ રૂપાણી હતા. ત્યારે તેઓ સૌરાષ્ટ્રના નેતાઓના વજનથી વાકેફ હતા. પણ હવે નવા સીએમ ભુપેન્દ્ર પટેલ બન્યા છે. જે અમદાવાદના છે. તેઓને સૌરાષ્ટ્રના નેતાઓના વજન અંગે કોઈ ખ્યાલ ન હોય અહીંના નેતાઓમાં ધરાર આગળ થવાની હોડ લાગી હતી. નેતાઓ સીએમની બાજુમાં ચોંટીને રહીને તેઓને વ્હાલા થવાના ભરપૂર પ્રયાસો કરતા નજરે પડ્યા હતા. ઉપરાંત આ પ્રયાસો દરમિયાન એકબીજાની ગરીમા પણ જળવાઈ ન હતી.
ગઈકાલની આ ઘટનાથી હવે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું વિજયભાઈના ગયા પછી ભાજપના નેતાઓ શિસ્ત ભૂલી ગયા છે ? એક તો મહામહેનતે કમળ ખીલ્યું છે. તેના ઉપર જાણી જોઈને કેમ નેતાઓ કીચડ ઉછાળી રહ્યા છે. કોઈ વ્યક્તિની નહિ પણ તેના હોદાની ગરીમાં પણ કેમ જાળવી શક્યા નહિ ? આ પ્રશ્નો હાલ સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ શિસ્તતાને કારણે ઓળખાય છે. સંઘની શિસ્તતાની ઝલક આજ સુધી ભાજપમાં જોવા મળતી હતી. પરંતુ હવે આ શિસ્તતા ધીમે ધીમે નાબૂદ થઈ રહી છે. ઘણા નેતાઓ શિસ્તતાનું ચીરહરણ કરી પક્ષને દાગ લગાવી રહ્યા છે. ત્યારે હવે પક્ષ માટે આ પ્રશ્ન પહાડરૂપ બની ગયો છે. ગઈકાલના બનાવમાં અમુક નેતાઓએ માત્ર સીએમ સામે પોતાના કદનું પ્રદર્શન કરવા માટે જ બીજા નેતાઓનું સ્વમાન છીનવી લીધું હતું.
વ્યક્તિ તો ઠીક વ્યક્તિના હોદાની પણ ગરીમાં ન જાળવી પક્ષની આબરૂને ધૂળ ધાણી કરી દીધી હતી. ગઈકાલનો બનાવ પક્ષ માટે ટર્નિંગ પોઇન્ટ પણ સાબિત થઈ શકે છે. જો હવે પક્ષ પોતાનું કદ પ્રદર્શન કરવામા જ માનનારા સ્વાર્થી નેતાઓ સામે એક્શન નહિ લ્યે તો પક્ષને આવતા દિવસોમાં ઘણું ડેમેજ સહન કરવાનો વારો આવી શકે તેમ છે. જેથી જ અંદરખાને નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આવા નેતાઓ ઉપર કાતર જ ફેરવી દેવી જોઈએ. જેથી બીજા કોઈ નેતા આવું દુસાહસ ન કરી શકે.
મુખ્ય સચિવ નેતાઓની ગરીમાં જાળવવાનું ભૂલ્યા !!
જામનગરમાં મુખ્ય સચિવ પંકજ કુમાર પણ નેતાઓની ગરીમાં જાળવવાનું ભૂલી ગયા હતા. તેઓએ ખુરશી ઉપર એ રીતે સ્થાન જમાવ્યું હતું કે જાણે તેઓ અધિકારી નહિ કોઈ બીજા વ્યક્તિ હોય. એક ઉચ્ચ અધિકારી આવી રીતે બેસે તે કઈ રીતે શોભે? ઉપરની તસ્વીરમાં દેખાઈ છે મુખ્ય સચિવ સાંસદની બાજુમાં કઈ રીતે બેઠા છે.
રાજકોટ અને જામનગરમાં મેયરની સાઈડ કાપી બીજા નેતાઓ આગળ રહ્યા, શહેરના પ્રથમ નાગરિકનું અપમાન
રાજકોટ અને જામનગરમાં મેયરબી સાઈડ કાપીને બીજા નેતાઓ આગળ રહ્યા હતા. જામનગરમાં તો મેયરને મુખ્યમંત્રીનો કોનવે જ નડી ગયો હતો. જેમાં તેઓ ફસાઈ જતા સમયસર પહોંચી પણ શક્યા ન હતા. સામે નેતાઓ પણ તેમને ભૂલી ગયા હતા. આ ઉપરાંત મેયરની સીએમ સામે ગરીમાં પણ જળવાઈ ન હતી. આવી જ રીતે રાજકોટમાં પણ મેયરની પહેલા બીજા બધા નેતાઓ આગળ આગળ ચાલ્યા હતા.
સીએમની નજીક બીજા નેતાઓ રહ્યા હતા. બન્ને શહેરોમાં મેયરનું અપમાન થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. મેયર એ શહેરના પ્રથમ નાગરિક હોય, રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કોઈ પણ આવે મેયરને તેઓની પાસે રહેવાનું હોય છે. કારણકે શહેરમાં સર્વોચ્ચ સ્થાન મેયરનું હોય છે. ત્યારે ભાજપના નેતાઓ સીએમને વ્હાલા થવાની હોડમાં મેયરના હોદાની ગરીમાં જાળવવાનું ભૂલ્યા હતા.
ચેતન રામાણીએ કલેકટરને આઘા રહેવાનું કહ્યું, મોહનભાઇ વચ્ચે પડ્યા તો તેની સાથે બોલાચાલી કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ્યારે રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. ત્યારે તેઓએ લોધિકા પંથકની મુલાકાત પણ લીધી હતી. આ વેળાએ મુખ્યમંત્રીની રાહ જોઇને અધિકારીઓ અને પદાધિકારીઓ ઉભા હતા. ત્યારે ભાજપના નેતા ચેતન રામાણી અને સાંસદ મોહનભાઇ કુંડારીયા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ અંગે અબતકે ચેતન રામાણીને પૂછવા તેઓનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પણ તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો.
બાદમાં મોહનભાઇ કુંડારીયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે કોઈ સાથે ઝઘડો કરવો કે બોલાચાલી કરવી તેમનો સ્વભાવ નથી. તેઓએ ઘટના અંગે જણાવ્યું કે ગઈકાલે જ્યારે મુખ્યમંત્રીના આગમનની રાહ જોવાઇ રહી હતી. ત્યારે ચેતન રામાણીએ જિલ્લા કલેકટરને આઘુ રહેવા જણાવ્યું હતું. ત્યારે તેઓએ વચ્ચે પડીને કહ્યું કે અધિકારીઓને પ્રોટોકોલ મુજબ અહીં રહેવું પડે. ત્યારે ચેતન રામાણીએ બોલાચાલી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બોલાચાલી ઓન કેમેરા થઈ હતી. જે વાયરલ થતા ચર્ચાનો વિષય બની છે.