જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં વેસ્સૂ ગામના ભાજપના સરપંચ સજ્જાદ અહેમદ પર આતંકીઓએ ગુરુવારે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં તેમને પાંચ ગોળીઓ વાગી હતી. બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં સરપંચને હોસ્પિટલ લઇ જવાયા હતા, પણ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. આતંકીઓએ સજ્જાદના ઘરની બહાર જ તેમના પર ફાયરિંગ કર્યું હતું.
ભાજપના નેતાઓ પર આતંકી હુમલાની 48 કલાકમાં બીજી ઘટના બની હતી. 4 ઓગસ્ટની સાંજે આતંકીઓએ ભાજપના સરપંચ આરીફ અહેમદને કુલગામના મીર બજારમાં ગોળી મારી દીધી હતી, તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યાને એક વર્ષ 5 ઓગસ્ટે પૂર્ણ થયું છે. શ્રીનગર તંત્રને ઇનપુટ મળ્યા હતા કે આતંકીઓ હુમલો કરી શકે છે, આ માટે 4 અને 5 ઓગસ્ટે શ્રીનગરમાં કર્ફયૂ લગાવવામાં આવ્યું હતું.