અબતક, દર્શન જોશી,જુનાગઢ
જુનાગઢનું ચાર સદીઓથી વધુ પુરાણા એવા સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળે તે માટે જૂનાગઢના ભાજપના અગ્રણીની રજૂઆત બાદ ગુજરાત ટુરીઝમે પુરાતત્વ વિભાગને સત્વરે કાર્યવાહી કરવા જણાવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળશે તો, સુદર્શન તળાવનું સ્થાપત્યની દ્રષ્ટિએ મહત્વ વધી જશે અને દેશ-વિદેશના પ્રવાસીઓ આ તળાવને નિહાળવા – માણવા આવશે ત્યારે જૂનાગઢના આર્થિક વિકાસને વેગ પણ મળશે.
જુનાગઢ ભાજપના અગ્રણી અને દેવભૂમિ દ્વારકાના ભાજપના જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિવિધ કારણો અને ઐતિહાસિક માહિતી સભર પત્ર પાઠવી, જૂનાગઢના સાડા ચારથી વધુ સદીઓ પુરાણા સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવું જોઈએ તેવી માંગ કરી હતી.
આ પત્રમાં જુનાગઢ ભાજપના અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું હતું કે, સુદર્શન તળાવ ઇ.સ.પૂ. બે સદીથી ચાર સદીમાં અલગ અલગ સમયે નિર્માણ અને પુન: નિર્માણ થયેલ છે. અને કોઈપણ સ્થાન 100 વર્ષ કરતા જૂનું હોય તો તેનો વર્લ્ડહેમ હેરિટેજમાં સમાવેશ કરી શકાય છે. ત્યારે સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સમાવવું જોઈએ તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
દરમિયાન મુખ્યમંત્રીને કરાયેલા રજૂઆત બાદ ગુજરાત ટુરીઝમના પ્રોજેક્ટ મેનેજરે વડોદરા સ્થિત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સુપ્રીટેન્ડેન્ટ અને ગાંધીનગર સ્થિત આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમના ડિરેક્ટરને જૂનાગઢના સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવા માટે એક પત્ર દ્વારા જાણ કરવા આપી છે. અને સત્વરે નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું પ્રદીપ ખીમાણી દ્વારા જાણવા મળેલ છે.