પાલવ ગાર્ડન હોટલમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવતા ચોટીલા પંથકમાં અરેરાટી: કારણ અકબંધ
ચોટીલા તાલુકાના ભાજપના આગેવાન ઝીણાભાઈ દેરવાડિયાનું ગાંધીનગર પાલવ ગાર્ડન હોટલમાં રહસ્યમય મોત નિપજતા પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. જેમાં ભાજપ અગ્રણી દેરવાડિયાએ હોટલરૂમમાં જ ઝેરી દવા પી લેતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝીણાભાઈ દેરવાડિયા ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ચોટીલા બેઠકના ભાજપના ઉમેદવાર રહી ચૂકેલા ઝીણાભાઈ દેરવાડિયાએ ગાંધીનગરના ચંદ્રાલા પાસેની પાલવ હોટેલમાં સોમવારે મોડી રાત્રે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ભાજપ અગ્રણી ગાંધીનગરમાં એક અધિકારી પાસેથી રૂ. ૫ લાખ લેવા આવ્યા હતા, પરંતુ અધિકારી ફોન ન ઉપાડતા હોવાથી અંતે આપઘાત કર્યો હોવાનું ચોટીલા રાજનીતિ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઝીણાભાઈ દેરવાડિયાએ ભાજપના કાર્યકરથી શરૂ કરી વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે એક દસકાનું રાજકીય જીવન રહ્યું હતું. તાલુકા ભાજપ મહામંત્રી, જિલ્લા બક્ષીપંચ મોરચા, વિધાનસભા ૨૦૧૭માં ભાજપના ઉમેદવાર તરીકે ચૂટણી લડેલા. ધારાસભ્ય વશરામભાઈ ખોરાણી, ભરતભાઈ ખોરાણી વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહી હતી. ત્યાર બાદ ૨૦૧૭માં તેમનું કદ વધતા પાર્ટીની ટિકિટ મેળવી ઋત્વિકભાઇ મકવાણા સામે ચૂટણી લડી હાર્યા હતા.
ઝીણાભાઈ સોમવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ ચિલોડા-હિંમતનગર હાઈ-વે પર ચંદ્રાલા ગામ પાસેની પાલવ ગાર્ડન હોટેલમાં આવ્યા હતા. રાતના ૯ વાગ્યા આસપાસ હોટેલનો સ્ટાફ તેમના રૂમમાં જમવાનું લઈને ગયો હતો. જમ્યા પછી તેમને ઊલટી થતાં હોટલ સ્ટાફ દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવારમાં મોત થયા બાદ પીએમમાં મોત ઝેરથી થયું હોવાનું જાણવા મળ્યું છે.
પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીવણભાઇએ જણાવ્યું કે, સોમવારે સવારે મળ્યા હતા. ગાંધીનગર ખાતે એક અધિકારી પાસેથી તેમને રૂ.૫ લાખ લેવાના છે. જે ફોન નથી ઉપાડતા એટલે જાવ છું તેમ વાત કર્યા બાદ ગયા હતા અને રાત્રે તેઓના આપઘાતના સમાચાર મળ્યા હતા. પોલીસે ભાજપ અગ્રણી ઝીણાભાઈ દેરવાડિયાની ઘટનાની નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા ચક્રોગતિમાન હાથધર્યા છે.