- PGVCLના એમ.ડી.વરૂણકુમાર બરનવાલે જિલ્લા પોલીસ વડા રાઠોડ સાથે કરી ચર્ચા
- ઘવાયેલા ડેપ્યુ.ઇજનેર પુરોહિતને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
પડધરીના મોવૈયા ગામે વીજ ચેકીંગ કરવા ગયેલી PGVCLની ટીમ પર ભાજપ અગ્રણી સહિતનાઓએ હુમલો કરતા ઘવાયેલા PGVCLના ડેપ્યુટી ઇજનેરને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હુમલાના જેના પર આક્ષેપ થઇ રહ્યા છે તે ભાજપના આગેવાન ધીરૂભાઇ તડપદાએ પોતે હુમલામાં સામેલ ન હોવાનું ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. બીજી તરફ PGVCLના એમ.ડી. વરૂણકુમાર બરનવાલે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સાથે વાતચીત કરી ઘટનાની ગંભીરતા લઇ તટસ્થ અને ન્યાયિક તપાસ કરવા જણાવ્યું છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીના મોવૈયા ખાતે પાવર ચોરી થતી હોવાની મળેલી ફરિયાદના આધારે PGVCLની ગ્રામ્ય ટીમ દ્વારા સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે મોવૈયા ખાતે ડ્રાઇવ રાખી હતી.
એક સાથે મોટી સંખ્યામાં PGVCLનો સ્ટાફ પાવર ચોરી અંગે ઘરે ઘરે તપાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એકઠાં થયેલા ટોળાએ PGVCLના ડેપ્યુટી ઇજનેર પુરોહિત પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘવાતા સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડેપ્યુટી ઇજનેર પુરોહિત અને તેમના સ્ટાફ દ્વારા હુમલામાં ભાજપના આગેવાન ધીરૂભાઇ તડપદા પણ સામેલ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ‘અબતક’ દ્વારા ધીરૂભાઇ તડપદાનો સંપર્ક કરવામાં આવતા તેઓ હુમલામાં સામેલ ન હોવાનું અને PGVCLના સ્ટાફ દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવતા હોવાનો બચાવ કર્યો હતો.
PGVCLના ડેપ્યુટી ઇજનેર પુરોહિત પર હુમલો થતા PGVCLના એમ.ડી. વરૂણકુમાર બરનવાલે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સાથે ટેલિફોનિક વાત ચીત કરી તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
PGVCLના અધિકારીના આક્ષેપો પાયાવિહોણાં: ધીરૂભાઇ તળપદા
પડધરીના મૌવેયા ગામે PGVCLના ચેકીંગ દરમિયાન ભાજપ અગ્રણી ધીરૂભાઇ તળપદાએ ડેપ્યૂટી ઇજનેર પર હુમલો કર્યાના આક્ષેપ કર્યા હતાં. જે બાબતે ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં ધીરૂભાઇ તળપદાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. ધીરૂભાઇ તળપદાએ જણાવ્યું હતું કે PGVCLની ટીમ દ્વારા વીજ ચેકીંગ દરમિયાન ગામની મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરીને તેમના પર નિર્લજ્જ હુમલો કર્યો હતો. જેથી ગામમાં ટોળું એકઠું થઇ જતાં પોતે આ બાબતે સમાધાન કરાવવા માટે પહોંચ્યા હતા. વાત વધુ વિફરે નહીં તે માટે ધીરૂભાઇ તળપદાએ પ્રયાસો કર્યા હતા પરંતુ ગામના આગેવાન હોવાના કારણે PGVCLના સ્ટાફ દ્વારા તેમના પર ખોટા અને પાયાવિહોણાં આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે ધીરૂભાઇ તળપદા અને ગ્રામજનો દ્વારા આજરોજ PGVCLની ઓફિસે આવેદન પત્ર પણ પાઠવવામાં આવશે તેવું જણાવ્યું હતું.