સરકારના કાર્યોની સિધ્ધી લોકો સુધી પહોચાડવા કવાયત: માઈકો મેનેજમેન્ટના ભાગરૂપે અનેક કાર્યકરો જોડાયા
ચૂંટણીના પડધમ વાગવાની સાથે બધા જ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર વિજય રૂપાણી એ રાજકોટના રૈયાધાર વિસ્તારથી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે.આજરોજ વિજયભાઈ રૂપાણીએ ગુજરાત ગૌરવ સંપર્ક યાત્રા અનુસંધાને પ્રથમ રૈયાધાર વિસ્તાર ત્યારબાદ તોપખાના તથા પરસાણાનગર ખાતે પદયાત્રા કરી હતી. જેમાં તેઓ લોકોને વ્યકિતગત રીતે મળ્યા હતા.અંતે વિજય રૂપાણીએ પરસાણાનગર ખાતે સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આયોજીત સભામાં હાજરી આપી હતી. તથા લોકોને સંબોધન કર્યું હતુ.સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતુ કે સફાઈ-કામદારોને કાયમી કરવા, આવાસ આપવા જેવા નિર્ણયો ભૂતકાળમાં રાજય સરકાર દ્વારા લેવાઈ ચૂકયા છે. અને અમલી પણ બનાવી દેવાયાં છે. આ સિવાય તેમણે કોંગ્રેસની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતુ કે રાહુલબાબા ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે. અને ભાજપ સરકાર ઉપર આક્ષેપો કરે છે.તેમણે કહ્યું હતુ કે રાહુલ ગાંધી એવું કહે છે કે ગુજરાતમાં ૩૦ લાખ યુવાનો બેરોજગાર છે. પરંતુ રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે રોજગારી ઉભુ કરનાર રાજય છે. તો હું રાહુલ ગાંધીને કહેવા માગું છુ કે અરે રાહુલબાબા કાંઈક તો સાચુ બોલો આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મૌની બાબા ગણાવ્યા હતા.