૧૦ થી ૧૧ રાજયોની વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણી સાથે કરવા અમિત શાહે કાયદાપંચને પત્ર લખ્યો: કોંગ્રેસ સહિતના વિપક્ષની કાગરોળ
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરવા મોદી સરકાર કમરકસી રહી છે. ૧૦ થી ૧૧ રાજયોની વિધાનસભા ચૂંટણીઓ લોકસભા ચૂંટણીની નજીક છે. જેથી આ ચૂંટણીઓ એક સાથે કરવા ચૂંટણીપંચ પણ વિચારી રહી હોવાનું જાણવા મળે છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરવાથી ભાજપને એન્ટી ઈન્કમબન્સી નડશે નહીં તેવું માનવામાં આવે છે.
મધ્યપ્રદેશ, રાજસન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી આગામી વર્ષના જાન્યુઆરી માસમાં થશે. આ રાજયોમાં ભાજપ સરકાર રાજયપાલ શાસનની હિમાયત કરશે અને વિધાનસભા ચૂંટણીની સાથે જ લોકસભાની ચૂંટણી યોજાય તેવો તખતો તૈયાર કરશે. આ ઉપરાંત કોંગ્રેસ શાસીત મીઝોરમમાં પણ ડિસેમ્બરમાં ચૂંટણી છે.
હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા ભાજપ શાસીત રાજયમાં લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભા ચૂંટણી થાય તે માટે વિધાનસભા ચૂંટણી વહેલી ગોઠવવાનું આયોજન થશે. જયારે આંધ્રપ્રદેશ, ઓરીસ્સા અને તેલંગણામાં તો વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે જ થવાની છે. આ તમામ રાજયોની વિધાનસભા ચૂંટણીઓ વહેલી-મોડી કરી તેનો સમયગાળો લોકસભા સાથે જ ગોઠવાઈ જાય તેવો તખતો તૈયાર થઈ રહ્યો છે. જેથી એન્ટી ઈન્કબન્સી નહીં નડે તેવી આશા ભારતીય જનતા પક્ષને છે.
આ ઉપરાંત બિહારમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૦માં થવાની છે જેથી બિહારમાં ભાજપના સાથી નીતિશકુમાર પણ વિધાનસભા ચૂંટણી વહેલી ગોઠવવા તૈયાર હોવાનું જાણવા મળે છે. નીતિશકુમારની આગેવાની ધરાવતી જનતા દળ (યુનાઈટેડ) લોકસભા અને વિધાનસભા ચૂંટણી સથે કરવી કે નહીં તે માટે લોકોના વિચારો જાણવા પ્રયાસ કરશે.
ભાજપના થીક ટેન્કના માનવા મુજબ જો વિધાનસભા ચૂંટણીઓ હવેથી લોકસભા ચૂંટણીની સાથો સાથ થાય તો વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો ફાયદો એક સાથે ઉઠાવી શકાય. વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાની અસર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર પડે.
આ ઉપરાંત બન્ને ચૂંટણીઓ સાથે કરવાથી ભાજપનો પન્નો પણ ટૂંકો નહીં પડે અને એન્ટી ઈન્કમબન્સીનો ડર પણ નહીં રહે. અલબત કોંગ્રેસ સહિતના કેટલાક વિરોધ પક્ષો ભાજપની આ વિચારના વિરોધમાં છે. હાલ તો ભાજપના પ્રમુખ અમિત શાહે કાયદાપંચને વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ એક સાથે કરવા પત્ર લખ્યો છે.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થવાની ભલામણ અંગે કાયદાપંચ વિચાર વિમર્શ કરી રહ્યું છે પરંતુ અત્યારે તો લોકસભા ચૂંટણી એપ્રિલ-મે ૨૦૧૯માં કરવા તૈયારી થઈ રહી છે. ચૂંટણી પેનલે વધારાના ૧૭.૪ લાખ વીવીપીએટ તથા ૧૩.૯૫ લાખ બેલેટ યુનિટને ૯.૩ લાખ કંટ્રોલ યુનિટની જરૂર પડશે તે માટે આયોજન કર્યું છે. આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓરીસ્સા, સીક્કીમ અને અણાચલપ્રદેશમાં ચૂંટણી માટે ચૂંટણીપંચ આખરી ઓપ આપી રહ્યું છે.