દેશમાં લોકતંત્ર ખતરામાં છે. દેશ કઈ દિશામાં જાય છે કોઈને ખબર નથી, સરકારની આલોચના કરતા લોકોને દેશદ્રોહી ચીતરવામાં આવી રહ્યા છે:રાજસ્થાનના સીએમ

કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે દેશમાં લોકતંત્ર ખતરામાં છે. દેશ કઈ દિશામાં જાય છે કોઈને ખબર નથી. જે દેશવાસીઓ માટે ચિંતાનો વિષય છે. સરકારની આલોચના કરતા લોકોને દેશદ્રોહી ચીતરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ યોજવામાં આવ્યો જેના ભાગ રૂપે સમગ્ર દેશમાં એક સાથે 35 શહેરોમાં પત્રકાર પરિષદનું આયોજન કરવાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ લંડનમાં જ બોલ્યા જે અહીં ઘણી વખત બોલ્યા છે. આજે દેશમાં સરકારની ટીકા કરનારા જેલમાં જઈ રહ્યા છે. મોદી સરકાર અને ભાજપે લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થાની ધજ્જિયાં ઉડાવી દીધી છે. ભાજપે લોકતંત્રની હત્યા કરી નાંખી છે અને તેથી હવે પ્રજાને જનઆંદોલનમાં જોડવાનો સમય આવી ગયો છે. રાહુલ ગાંધીને કેમ નિશાન બનાવાયા કારણ કે, તેમણે સંસદમાં અદાણી વિશે પ્રશ્નો પૂછયા અને જવાબ માંગ્યો કે, મોદી અને અદાણી વચ્ચે શું સંબધો છે..? અદાણીમાં રોકાણ થયેલા રૃ.20 હજાર કરોડ કોના છે…? જો વડાપ્રધાન મોદી અને ભાજપ સરકાર સાચા હોય તો તેમણે સંસદમાં જવાબ આપવો જોઇને ને..કેમ જવાબ આપ્યો નથી હજુ સુધી. દેશની આઝાદી બાદના ઇતિહાસની પરંપરા ખુદ શાસક પક્ષ દ્વારા જ તોડવામાં આવી રહી છે અને સત્તાધારી પક્ષ પોતે જ સંસદની કાર્યવાહી ચાલવા નથી દેતો અને આરોપ વિપક્ષ પર મૂકે છે.

સંસદમાં મોદી સરકારે રાહુલ ગાંધીને બોલવા પણ નથી દીધા, તેમનું માઇક મ્યુટ કરી દેવાતુ હતુ. તેમનું સંસદસભ્ય પદ છીનવી મોદી સરકાર કે ભાજપ રાહુલ ગાંધીને ડરાવી શકવાના નથી. રાહુલ ગાંધી ડરે એમાંના નથી. મોદી સરકારના શાસનમાં વિપક્ષને પ્રશ્નો પૂછવાનો પણ અધિકાર નથી. બેરોજગારી, મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષ બોલે કે કોઇ અવાજ ઉઠાવે તો તેને જેલમાં બંધ કરાય છે. દેશના ઇતિહાસમાં આ પહેલી એવી સરકાર આવી છે કે, જેણે ગૃહમંત્રાલય, ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો દૂરપયોગ કરી લોકતંત્ર ખતમ કરી નાંખ્યું છે. અદાણી અને મોદી સરકાર વિરૃધ્ધના ગંભીર આક્ષેપો અને વિપક્ષની ઉગ્ર માંગ છતાં સરકાર કેમ આ મામલે જેપીસી ગઠન કરતી નથી અને તપાસ સોંપતી નથી..?

કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો ઉઠાવી રહી છે તો પણ ઉલ્ટાનું ચોર કોટવાળને દંડે એ રીતે ભાજપ અને મોદી સરકાર ખોટા નિવેદનો અને ભ્રામક જાહેરાતો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે પરંતુ દેશની જનતા બહુ સમજું છે. તે બધુ સારી રીતે જાણે છે. દેશમાં લોકતંત્રને બચાવવા અને દેશવાસીઓને જગાડવા કોંગ્રેસ આગામી દિવસોમાં સંભવત: એપ્રિલમાં સમગ્ર મહિના દરમ્યાન જય ભારત સહિતના આશ્ચર્યકારક ઉગ્ર આંદોલનના કાર્યક્રમો ગુજરાત સહિત દેશભરમાં યોજનાર છે. રાષ્ટ્ર અને લોકતંત્રની સુરક્ષા મટે હવે વિશાળ જનસમુદાયને આંદોલનના પ્રવાહમાં હવે જોડવાનો સમય આવી ગયો છે, તેથી દેશની જનતા પણ આ અંગે જાગૃત થઇ જોડાય. સંસદમાં અદાણી સ્કેમ અંગે સવાલ ઉઠાવ્યા બાદ સુરતનો મુદ્દો ઊભો થયો, સુરત કેસના અરજદાર એ હાઇકોર્ટમાં જઇ સ્ટે મેળવ્યો હતો જેને અદાણી સ્કેમ અંગેના ભાષણ બાદ ઉઠાવી લેવામાં આવ્યો. આ શું દર્શાવે છે ?

ભાજપ ગૃહ વિભાગની સિસ્ટમનો ખોટો ઉપયોગ કરી રહી છે. ભાજપ સરકારનાં મંત્રીઓ દ્વારા સંસદમાં  રાહુલ ગાંધી પર આરોપ લગાવવામાં આવ્યા પરંતુ સંસદમાં તેમના આરોપ અંગે જવાબ આપવા ન દીધો, બે-બે વખત સંસદમાં  રાહુલ ગાંધીએ લેખિતમાં સમય માંગ્યો હતો. પરંતુ લોકતંત્રને દબાવવા માંગતી ભાજપે સમય ન આપ્યો આજ સુધી ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. ભારત જોડો યાત્રાની સફળતાએ આદરણીયશ્રી રાહુલ ગાંધીજીની ઇમેજ ખરાબ કરવા માટે ખર્ચેલા કરોડો રૂપિયાને બરબાદ કરી દીધા, તેથી જ આ રમત રમવામાં આવી. ભાજપ સરકાર વિપક્ષી પક્ષો વિરુદ્ધના ઇડી, સીબીઆઈ સહિતની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કેસોની દેખરેખ રાખવામાં આવી રહી છે.

ભાજપ દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. ભાજપ ઓબીસીનું અપમાન કરે છે, હું ઓબીસી સમાજમાંથી આવું છું, મારી કોમ્યુનિટીમાંથી હું એક જ ધારાસભ્ય છું, હું ત્રણ વાર મુખ્યમંત્રી બન્યો છું આ જ દર્શાવે છે કે કોંગ્રેસ પક્ષે ઓબીસી સમાજનું માન-સન્માન જાળવ્યુ છે.પ્રધાનમંત્રી પોતે ઓબીસીનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ સાથે દેશની 19 પાર્ટીઓએ મળીને કહ્યું કે ભાજપ જે રીતે સંવૈધાનિક સંસ્થાઓને ખતમ કરી રહી છે તે દેશ માટે સંકટ છે. આ દેશ સામે મોટો પડકાર છે. તમામ ધર્મ, કોમ, પ્રાંતના લોકો પ્રેમ-ભાઈચારાથી આ દેશનું સિંચન કર્યું છે.

ભારતને સાચા અર્થમાં આગળ વધારવા માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. કોંગ્રેસ પક્ષ  દ્વારા આગામી એક મહિના સુધી ’સંકલ્પ સત્યાગ્રહ’ થકી દેશના તમામ જિલ્લા, તાલુકા, બ્લોક સુધી લોકતંત્રને બચાવવા, ભાજપના તાનાશાહી- ભ્રષ્ટાચારી નીતિ અને અદાણી સ્કેમને લોકો વચ્ચે ઉજાગર કરવા માટે જનસંપર્ક-જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.