૧૦ ટકા આર્થિક અનામતની અમલવારી બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા ભાજપ પ્રભારી ઓમ માથુર
આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ગુજરાતના ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી મળ્યા બાદ પ્રથમ ગુજરાતની મુલાકાતે આવેલા રાજ્યસભાના સાંસદ અને ભાજપાના રાષ્ટીય ઉપાધ્યક્ષ ઓમજી માથૂરે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, ગુજરાતના તમામ ૫૦ હજાર જેટલા બુથ પર સંગઠનનો મજબૂત આધાર એવા પેજ પ્રમુખ છે અને આ પેજ પ્રમુખના ક્લસ્ટર બનાવીને તાજેતરમાં જ ખાટલા બેઠકનું આયોજન ગુજરાતના સંગઠન દ્વારા થઇ ચૂક્યું છે. એક લાખથી વધુ ખાટલા બેઠકો દ્વારા ગુજરાત સંગઠને ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે, લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતવા માટે ગુજરાત ભાજપાના કાર્યકરો સક્ષમ અને સંપૂર્ણ કટિબધ્ધ છે.
મહાગઠબંધન વિશે જણાવતાં માથૂરે જણાવ્યું હતું કે, જૂની સરકારોએ દેશને લૂંટવાની છૂટ આપી હોય તેમ જુદા જુદા ગઠબંધનો દ્વારા લૂંટ મચાવનાર લોકો નરેન્દ્રભાઇ મોદીના આવ્યા બાદ પોતાની ચોરી બંધ થઈ ગઈ હોવાથી રઘવાયા થઈ ગયા છે અને જ્યાં-ત્યાં મોં-માથૂ મારે છે અને આ પ્રકારના સત્તાલક્ષી ગઠબંધન રચી દેશની જનતાની આંખમાં ધૂળ નાંખવાના પ્રયત્નો કરે છે પરંતુ દેશની જનતા આવા તકવાદી ભ્રષ્ટાચારીઓને સારી રીતે ઓળખી ગઇ છે. ઉત્તર પ્રદેશમાં તો જે લોકો ભૂતકાળમાં ક્યારેય એકબીજા સામે જોવા પણ તૈયાર નહોતા તેવા લોકો આજે પોતાની લૂંટ ચાલુ રાખવા માટે અનૈતિક ગઠબંધન કરી પ્રજાને છેતરવા નીકળ્યા છે. જ્યારે કોંગ્રેસના સ્વઘોષિત વડાપ્રધાનના ઉમેદવારને કોંગ્રેસ માટે યુ.પી.માં આ ગઠબંધન દ્વારા લટકામાં માત્ર બે સીટ છોડીને ઉત્તરપ્રદેશમાં અત્યારે જ કોંગ્રેસ બે બેઠકોની સ્થિતિ પર આવી ગઇ છે અને જેથી સ્વઘોષિત વડાપ્રધાનના સ્વપ્ન પર ઠંડુ પાણી રેડાયું હોય તેવો ઘાટ ઘડાયો છે.