આપણે ભાગ્યશાળી છીએ કે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાનો આપણે એક હિસ્સો છીએ, જનસંઘ સમયથી લાખો કાર્યકર્તાઓએ રાતદિવસ જોયા વિના અથાગ પરિશ્રમ કર્યો છે, તે સમયના કાર્યકર્તાઓની મહેનત અને અવિરત પ્રયાસોનું પરિણામ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ:નડ્ડા
ભાજપાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં તથા ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતીષજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપાના વરિષ્ઠ નેતા સુરેન્દ્રભાઇ પટેલ તથા ભાજપાના પ્રદેશ મહામંત્રીઓની ઉપસ્થિતિમાં ભાજપાના ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી.
જેમાં નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં ગુજરાત ભાજપાના જમીની સ્તર પર જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. ઉપરાંત ભાજપાની નીતિરીતિને જમીની સ્તર પર કાર્યરત કરવાવાળી ટીમ પણ આજ છે. સાચા અર્થમાં સમગ્ર ગુજરાતમાં ભાજપાની વિચારધારા વ્યાપક રીતે પ્રસારનાર આ ગુજરાત ભાજપા ટીમને મળીને ખુબજ હર્ષની લાગણી અનુભવું છું.
આપણે સૌ ખૂબજ ભાગ્યશાળી છીએ કે આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાનો આપણે એક હિસ્સો છીએ. જનસંઘના સમયની પરિસ્થિતિનો ચિતાર આપતા નડ્ડાએ જણાવ્યુ હતુ કે, આજથી ૪૦ વર્ષ પૂર્વ સતત હારવા છતા પણ આપણા કાર્યકર્તાઓ અવિરત પણે ચૂંટણીઓનો સામનો કરતા હતા. જનસંઘ અને દિપના નિશાન માટે લાખો કાર્યકર્તાઓએ રાતદિવસ જોયા વિના અથાગ પરિશ્રમ કર્યો છે. તે સમયના કાર્યકર્તાઓની મહેનત અને અવિરત પ્રયાસોનું પરિણામ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ. સ્વ. અટલ બિહારી બાજપાઇજીની પ્રથમવાર પ્રધાનમંત્રી તરીકેની શપથવિધિ સમયે અનેક કાર્યકર્તાઓ ભાવુક બન્યા હતા. જેમાં કાર્યકર્તા અને ભાજપાનો અતૂટ લાગણીના સબંધ પ્રતિપાદિત થાય છે.
નડ્ડાએ ભાજપાની અંત્યોદયની વિચારધારાને વ્યાપક બનાવવાના નિર્ધાર સાથે જણાવ્યુ હતુ કે, ભાજપા ગરીબો, શોષિતો અને વંચિતો માટે સદાય ચિંતા કરનારી પાર્ટી રહી છે. આજે ભાજપાની કેન્દ્ર તથા રાજ્યની સરકારો સર્વસ્પર્શી અને લોકકલ્યાણકારી યોજનાઓ વ્યાપક પણે જનજન સુધી પ્રસરે તે માટે કટિબધ્ધ છે. આ બાબત કેન્દ્ર સરકારના હાલમાં જ રજુ થયેલા બજેટમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ભારત ૫ ટ્રીલીયનની ઇકોનોમી બનવા તરફ અવિરતપણે આગળ વધી રહ્યુ છે. સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ભારતના પ્રત્યેક નાગરિકની સુખાકારીની ચિંતા કરવાની સાથે વૈશ્વિક સ્તરે ભારતની અલગ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સતત કાર્ય કરી રહ્યા છે. આ તબક્કે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતના ભાજપાના કાર્યકર્તાઓની જવાબદારી સવિશેષ વધી જાય છે.
નડ્ડાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અને લોકોને તેનાથી મળેલો સીધેસીધો લાભને કારણે ગત લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપાને જનતાનો પ્રચંડ જનાદેશ મળ્યો છે. પાર્ટી અને જનતા વચ્ચેનું માધ્યમ એટલે કાર્યકર્તા. સરકારની તમામ લોકોને સ્પર્શતી, લાભદાયી યોજનાઓ જનજન સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું દાયિત્વ કાર્યકર્તાનું છે.
આ બેઠકમાં ભાજપા પ્રદેશ હોદ્દેદાર, ધારાસભ્ય, સાંસદ, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક તથા સહસંયોજક, પ્રદેશ અગ્રણી, ભાજપાના વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષ, જીલ્લા/મહાનગરના પ્રદેશ પ્રભારી તથા પ્રમુખ, તમામ ઝોન ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ તથા વિવિધ બોર્ડ/નિગમના ચેરમેન-ડે.ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા.