વિધાનસભાની માફક લોકસભાની ચૂંટણીમાં પણ
બુથ સશકિત કરણ અભિયાન અંતર્ગત દરેક જિલ્લામાં પ્રવાસ દરમિયાન પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ કયાશ કાઢી લેશે: લોકસભાના ર6 પૈકી ર0 થી વધુ સાંસદોને હવે ટિકિટ ન અપાય તેવી સંભાવના
ભાજપ માટે ગુજરાત એક રાજયકીય પ્રયોગ શાળા માનવામાં આવે છે. અહીં કોઇપણ પ્રકારના જોખમી પ્રયોગો કરવામાં આવે તેના રિપોર્ટ લગભગ પોઝિટિવ જ આવે છે. ચુંટણીના સવા વર્ષ પહેલા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન સાથે આખી સરકારને ઘર ભેગી કરી દેવાયા બાદ વિધાનસભાની ચુંટણીમાં તમામ મોટા માથાની ટિકીટો કાંપવામાં આવી હોવા છતાં ભાજપ રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીત્યું હતું. ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચુંટણીમાં તમામ ર6 બેઠકો જીતનાર ભાજપ આ વખતે લોકસભાની ચુંટણીમાં પણ નો રીપીટ ફોમ્યુલા અપનાવવાના મુડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ આઠેય સાંસદોની ટિકીટ પર કાતર ફેરવી દેવામાં આવશે.
લોકસભાની આગામી ચુંટણીમાં સતત ત્રીજી વખત રાજયની તમામ ર6 બેઠકો જીતવા માટે ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. બુથ સશકિતકરણ અભિયાન હેઠળ આગામી દિવસોમાં પ્રદેશ અઘ્યક્ષ દ્વારા તમામ જિલ્લાઓનો પ્રવાસ કરવામાં આવશે. જેમાં તેઓ સાંસદો અને ધારાસભ્ય ઉપરાંત સંગઠનના હોદેદારો સાથે પણ બેઠક યોજાશે જેમાં સ્થિતિનો કયાસ કાઢી લેશે. સિટીંગ સાંસદની ટિકીટ કાપવામાં આવે તો પક્ષ કોઇ નુકશાની વેઠવી નહી પડે ને? તેનો પણ પ્રાથમિક અંદાજ કાઠી લેવામાં આવશે. લોકસભાની ચુંટણીના આડે હજી એક વર્ષનો સમય ગાળો બાકી છે આવામાં પક્ષ દ્વારા હાલ કોઇ ફોમ્યુલા જાહેર કરવામાં આવશે નહીં.
સૌરાષ્ટ્ર-કચ્ની લોકસભાની આઠેય બેઠકો પર નજર કરવામાં આવે તો રાજકોટ બેઠક પરથી મોહનભાઇ કુંડારીયા છેલ્લી બે ચુંટણીથી વિજેતા બની રહ્યા છે. તેઓ પ્રથમ ટર્મમાં મોદી સરકારમાં રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રીની ફરજ બજાવી ચૂંટાયા છે. તેઓ ગુજરાત સરકારના પણ મંત્રી રહી ચૂકયા છે. આવામાં ર024 ની ચુંટણીમાં તેઓના સ્થાને રાજકોટ બેઠક પરથી અન્ય ઉમેદવારને ઉતારવામાં આવે તેવું ચર્ચાય રહ્યું છે. રાજકોટ બેઠક પરથી ભાજપ કડવા પટેલ સમાજમાંથી કોઇ વ્યકિતને ટિકીટ આપે તેવું મનાય રહ્યું છે. પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકની પ્રથમ ટર્મ છે. પરંતુ તેઓ વિધાનસભાની ચુંટણી સમયે જ વારંવાર એવું નિવેદન આપી ચૂકયા છે કે તેઓ 2024મા0 લોકસભાની ચુંટણી લડવાના નથી.
સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્ર સરકારમાં હાલ મંત્રી તરીકે જવાબદારી નિભાવતા ડો. મહેન્દ્રભાઇ મુંજપરાને પ્રથમ ટર્મમાં મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભાની ગત ચુંટણીમાં તેઓએ ટિકીટ ફાળવણી અને પ્રચાર દરમિયાન થોડી મનમાની કરી હતી. તેઓને આ મુદ્દો નડી શકે છે. અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા છેલ્લી ત્રણ ટર્મથી ચુંટાઇ રહ્યા છે. હવે તેઓને ભાજપ દ્વારા ટિકીટની ફાળવણી કરવામાં આવશે નહી. જામનગરના સાંસદ પુનમબેન માડમ છેલ્લા બે ટર્મથી ચૂંટાઇ રહ્યા છે. તેઓની કામગીરી પ્રમાણમાં સારી છે. જો સૌરાષ્ટ્રના એકથી બે સાંસદને ફરી ટિકીટ આપવાનો નિર્ણય લેવામાં આવે તો તેમાં પુનમબેનનું નામ સૌથી ટોપ પર હશે.
ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળની પણ બીજી ટર્મ છે જો નો રીપીટ ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો તેમની ટિકીટ જોખમમાં મુકાઇ શકે છે અન્યથા તેઓની સામે કોઇ વિવાદ નથી તેઓએ હમેશા સંગઠનના સિઘ્ધાતોને સતત વળગી રહી કામ કર્યુ છે. જો તેઓને રિપીટ કરવામાં આવે અને કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભાજપ સરકાર બને તો ભારતીબેન શિયાળને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના પણ જણાય રહી છે. ભારતીબેનને માત્રને માત્ર નો રીપીટ ફોર્મ્યુલા જ નડી શકે તેમ છે.
જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાની પણ ત્રીજી ટર્મ છે. તેઓની સામે ત્રીજી ટર્મમાં અનેક આક્ષેપો થયા છે. અમુક પ્રકરણોમાં પણ તેમનું નામ ચડયું છે આવામાં તેઓની ટિકીટ કંપાઇ તેવું લગભગ નિશ્ર્ચીત મનાઇ રહ્યું છે. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાના સ્થ્ાને નવા ચહેરાને ભાજપ મેદાનમાં ઉતારે તેવી શકયતા જણાય રહી છે.
ભાજપે સતત ત્રીજી વખત ગુજરાતમાં લોકસભાની તમામ ર6 બેઠકો જીતવાનો પ્લાન બનાવી લીધો છે. હાલ બુથ સશકિતકરણ અભિયાન ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજયના તમામ જિલ્લામાં પ્રવાસ કરવામાં આવશે અને લોકસભાની ચુંટણી પહેલા લોકોનો મુડ અને કાર્યકરોનો ઉત્સાહ પારખી લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર-કચ્છના સાંસદો
- રાજકોટ – મોહનભાઇ કુંડારીયા
- પોરબંદર – રમેશભાઇ ધડુક
- સુરેન્દ્રનગર – ડો. મહેન્દ્ર મુંજપરા
- અમરેલી – નારણભાઇ કાછડીયા
- જામનગર – પુનમબેન માડમ
- ભાવનગર – ભારતીબેન શિયાળ
- જુનાગઢ – રાજેશભાઇ ચૂડાસમા
- કચ્છ – વિનોદભાઇ ચાવડા