- ઉમેદવાર બદલ્યા બાદ વિવાદે વધુ વેગ પકડ્યો: ચૂંટણીલક્ષી અને સંગઠાત્મક તમામ બેઠકો તાકીદની અસરથી રદ કરાય:4 એપ્રિલે સી.આર.પાટીલ ખુદ સાબરકાંઠા જશે
લોકસભાની ચૂંટણી માટે વહેલા ઉમેદવારો જાહેર કરવાનું ભાજપનું ગણિત ઊંધું પડ્યું છે સૌરાષ્ટ્રની ત્રણ સહિત રાજ્યની અડધો ડઝન બેઠકો પર વિવાદ ચાલી રહ્યો છે.સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલ્યા બાદ વિવાદે વધુ વેગ પકડ્યો છે. હવે કોઈ કાળે વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. દરમ્યાન ત્રણ દિવસીય ચૂંટણીલક્ષી અને સંગઠાત્મક બેઠક તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ડેમેજ કંટ્રોલ કરવાની ભૂમિકામાં વ્યસ્ત થઈ ગયા હોય તેમ 4 એપ્રિલે તેઓ સાબરકાંઠાનો પ્રવાસ કરી મામલો શાંત પાડવાના પ્રયાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી.તેઓની અટકને લઈ ભારે વિવાદ ઉભો થયો હતો.જેના કારણે ભાજપે અહીં ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. ભીખાજી ઠાકોરના સ્થાને શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. તેઓ મૂળ કોંગ્રેસી ગોત્ર ધરાવતા હોવાના કારણે નવેસરથી વિવાદ ઉભો થયો હતો.જે દિન પ્રતિદિન વકરી રહ્યો છે.
ઉમેદવારના વિરોધમાં ગામ પણ બંધ રહ્યું હતું. અનેક પ્રયાસો છતાં આ વિવાદ ઘટવાનું નામ લેતો નથી. ગઈકાલથી ત્રણ દિવસ માટે સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં ચૂંટણીલક્ષી અને સંગઠાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.દરમ્યાન વિવાદ વધુ વકરતા તાત્કાલિક અસરથી પ્રદેશ દ્વારા આદેશ આપી તમામ બેઠકો રદ કરવાની ઘોષણા કરવામાં આવી હતી.આગામી 4 એપ્રિલના રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાબરકાંઠા ની મુલાકાતે જાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી ભાજપની સ્થિતિ કફોડી બની ગઈ છે.સાબરકાંઠા બેઠક પર ફરી ઉમેદવાર બદલવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. ભીખાજી ઠાકોરના બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હોવા છતાં તેને સ્થાનિક કાર્યકરો અને આગેવાનો સ્વીકારતા નથી.