રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દાઓ વચ્ચેનો ભેદ સમજવામાં ભૂલ ખાઈ જતા ભાજપે દોઢ વર્ષનાં ટુંકાગાળામાં

પાંચમાં રાજયમાંથી સત્તા ગુમાવવી પડી!

રાજકારણમાં કદી કોઈ કાયમી મિત્ર કે શત્રુ હોતા નથી માત્ર સ્વાર્થ જ સર્વોપરી હોય છે. આ ઉકિત વૈશ્ર્વિક રાજકીય ક્ષેત્રમાં સમયાંતરે યર્થાથ ઠરતી રહે છે. આ ઉકિત ગઈકાલે આવેલા ઝારખંડ વિધાનસભાના પરિણામોમાં ફરીથી સાચી પૂરવાર થઈ છે. ત્રિપલ તલ્લાક, કલમ ૩૭૦, અયોધ્યામાં રામમંદિર વગેરે જેવી દાયકાઓ જૂની સમસ્યાને કુનેહપૂર્વક ઉકેલીને કેન્દ્રની મોદી સરકારને દેશભરમાં ભારે જનપ્રતિસાદ મળી રહ્યો છે. જેથી આ જનપ્રતિસાદના કારણે વધુ પડતા આત્મવિશ્ર્વાસમાં રાચતા ભાજપ પક્ષે ઝારખંડ ચૂંટણીમાં સ્થાનિક સાથી પક્ષો અને સમસ્યાઓની અવગણના કરી હતી. આ અવગણના ગઈકાલે આવેલા પરિણામમાં ભાજપને ભારે પડી હતીને ટુંકા સમયગાળામાં પાંચમાં રાજયમાંથી સત્તા ગુમાવવી પડી છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્થાનિક પક્ષ ઓલ ઝારખંડ સ્ટુડન્ટસ યુનિયન (એજેએસયુ) સાથે મળીને લડી હતી જેમાં ભાજપને ૮૧માંથી ૩૭ બેઠકો જયારે એજેએસયુને બેઠકો મળી હતી જે બાદ ચાલુ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે એજેએસયુ સાથે મળીને લડી હતી જેમાં ઝારખંડની ૧૪ બેઠકોમાંથી ભાજપને ૧૨ બેઠકો મળી હતી. પરંતુ આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એજએએસયુ સાથે વધારે બેઠકો માંગવા સહિતના મુદાઓ પર મતભેદો સજાયા હતા. જેથી એજેએસયુના વડા સુદેશ મહાતોએ એકલા સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે પણ સુદેશ મહાતોને સમજાવવાના બદલે વધુ પડતા આત્મવિશ્ર્વાસમાં એકલે હાથે લડવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ એનડીએનાં સાથી પક્ષ એવા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પક્ષ સાથે બેઠકોની ફાળવણીના મુદે વાંકુ પડયું હતુ જેથી લોકજન શકિત પાર્ટીએ પણ ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડી હતી.

આમ, ભાજપ દાયકાઓ જૂના રાષ્ટ્રીય મુદાને ઉકેલ્યા બાદ દેશભરમાં ઉભા થયેલા લોકજુવાળને ધ્યાનમાં રાખીને વધુ પડતા આત્મવિશ્ર્વાસમાં એકલે હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જયારે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડેલા ઝારખંડ મૂકિત મોરચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળે ભૂતકાળમાં સબક મેળવીને તથા તાજેતરમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એકલે હાથે લડેલા વિપક્ષોની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિપક્ષી મહાગઠ્ઠબંધન બનાવીને સંયુકત રીતે ચૂંટણી લડયા હતા. જેને ભારે સફળતા મળી હતી અને આ મોરચાએ ૮૧માંથી ૪૭ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી ઝારખંડ મૂકિત મોરચાને ૩૦ બેઠકો, કોંગ્રેસને ૧૬ બેઠકો, જયારે રાષ્ટ્રીય જનતાદળને એક બેઠક મળી હતી ભાજપને ૨૫ બેઠકો જયારે બાબુલાલ મરાંડીના ઝારખંડ મૂકિત મોરચાને ૩ બેઠકો અને એજેએસયુને બે બેઠકો જયારે ચાર બેઠકો અન્યોને મળી હતી.

7537d2f3 19

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ભાજપે ૮૧માંથી ૬૫ બેઠકો જીતીને એકલા હાથે સરકાર રચવાનો દાવો કર્યો હતો. જેના માટે વડાપ્રધાન મોદીનો ચહેરો આગળ રાખીને ચૂંટણી લડી હતી વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝારખંડમાં અનેક સભાઓનું આયોજન કરીને રાષ્ટ્રીય સ્તરે ભાજપ સરકારને મળેલી સફળતાના ગુણગાન ગાયા હતા પરંતુ સ્થાનિક રીતે અસરકર્તા એવા આદિવાસી સહિતના મુદ્દાઓની ઉપેક્ષા કરી હતી. ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્ર્નો અને સ્થાનિક નાના પક્ષો એજેએસયુ, લોકજનશકિત પાર્ટી વગેરેની ઉપેક્ષા ભાજપને ચૂંટણી પરિણામોમાં ભારે પડી હતી. એજેએસયુએ ચૂંટણી પરિણામોમાં ભલે બે જ બેઠકો મેળવી છે. પરંતુ તેનાથી ભાજપની વોટબેંકમાં ૮ ટકાનું ગાબડુ પડયું હતુ જે ભાજપના પરાજય માટે નિમિત બન્યું હતુ.

ગઈકાલના ચૂંટણી પરિણામો એ દર્શાવ્યું છે કે ભાજપને વધુ પડતા આત્મ વિશ્ર્વાસમાં સ્થાનિક સમસ્યાઓ અને સાથી પક્ષોની અવગણના ભારે પડી છે. આ રાજયની રચના બાદ વર્ષ ૨૦૦૦માં યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણી સમયથી ભાજપ હંમેશા સૌથી વધુ બેઠકો જીતીને રાજયમાં સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે પ્રસ્થાપિત થયો હતો. જે સ્થાન આ ચૂંટણીમાં ભાજપે ખોયું છે. ગઈકાલના ચૂંટણી પરિણામમાં ઝારખંડ મૂકિત મોરચો ૩૦ બેઠકો સાથે રાજયમાં સૌથી મોટો ચૂંટાયેલો રાજકીય પક્ષ બન્યો છે. આ પરિણામે ભાજપે વધુ એક ફટકો લાગ્યો છે. દોઢ વષૅનાં ટુંકાગાળામાં દેશના ૭૧ ટકા વિસ્તારમાં ૨૧ રાજયોમાં ભાજપની સત્તા હતી જે સિમિત થઈ ને હાલમાં ૩૫ ટકા વિસ્તારનાં ૧૬ રાજયોમાં રહેવા પામી છે. જેથી ભાજપે આ અંગે મનોમંથન કરવાની જરૂરીયાત હોવાનું રાજકીય પંડીતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.