કોઠંબામાં ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમાનું અનાવરણ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહિસાગર જિલ્લાના કોઠંબામાં ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરતાં સ્પષ્ટપણે કહ્યું કે, સામાજિક સમરસતા, એકતા, ભાઇચારાની પ્રેરણા આપતા આપણા શ્રેષ્ઠ સંવિધાન ઘડવૈયા ડો. આંબેડકરની આઝાદીના પાંચ-સાડા પાંચ દાયકા સુધી શાસન કરનારી કોંગ્રેસે સતત ઉપેક્ષા જ કરી છે.
તેમણે જણાવ્યું કે, જો આ બંધારણ બાબા સાહેબે ન આપ્યું હોત તો દેશમાં તમામને સાથે લઇને, સૌના સમાન હક-સમાન તક અને સર્વાંગી વિકાસ સાકાર જ ન થયો હતો.
મુખ્યમંત્રીએ આક્રોશ સાથે કહ્યું કે, આવા શ્રેષ્ઠત્તમ સંવિધાનથી લોકશાહિની જ્યોત સતત પ્રજવલિત રાખનારી ભાજપાની નરેન્દ્રભાઇ મોદી સરકારનો વિરોધ માત્ર રાજકીય સ્વાર્થ સાધવા ને રાજકીય રોટલા શેકવા કોંગ્રેસ કરી રહી છે.
વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, આપણા લોકશાહી રાષ્ટ્રમાં પ્રજા જ સર્વોપરિ છે. તેને ન્યાયપાલિકા સાથે જોડીને તથા હરેક વ્યકિતને વાણી, અભિવ્યકિત, વેપાર-રોજગાર, મિલ્કત વગેરેનું સ્વાતંત્ર્ય આપીને મૂળભૂત માનવીય અધિકારો બંધારણમાં નિહિત કરાયેલા છે.
લોકશાહિમાં પ્રજાકીય જનાદેશથી ચૂંટાયેલી સરકારોને ભૂતકાળમાં સંવિધાનના દુરૂપયોગથી દૂર કરવાનું પાપ કરનારી કોંગ્રેસના મોઢામાં સંવિધાન બચાવોની વાત શોભતી નથી એમ વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા સરસંધાન તાકતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વિશાળ જનસભાને સંબોધતા કહ્યું કે, ડો. આંબેડકર માત્ર દલિતો-વંચિતોના જ નેતા કે રાજપુરૂષ નહિ, સમગ્ર ભારતના તમામ સમાજના રાજપુરૂષ છે. સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
બાબા સાહેબે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરોની પ્રેરણા આપી પીડિત, શોષિત, વંચિત, સૌને અધિકારો આપવાનું કામ કરેલું છે અને તેથી જ બાબા સાહેબ સદાકાળ અજરા-અમર સૂરજ-ચાંદની જેમ રહેવાના છે એમ તેમણે ડો. બાબા સાહેબને ભાવાંજલિ આપતા ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સંવિધાન બચાવોની ભ્રામક વાતો કરનારા કોંગ્રેસીઓએ તેમના શાસનમાં બાબા સાહેબને ભારત રત્ન આપ્યો જ નહિ.
ગુજરાતના સપૂત સરદાર સાહેબ, વીર સાવરકર, સુભાષચંન્દ્ર બોઝ જેવા આઝાદી સંગ્રામના વિરલ વ્યકિતત્વોને વિસારે પાડી દેવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ કોંગ્રેસે કર્યો છે તેની આલોચના કરતાં વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, માત્રને માત્ર નહેરૂ-ગાંધી પરિવારનો ઇતિહાસ ભણાવીને એક જ પરિવારને રાષ્ટ્રભકત ચિતરવાનું કામ કોંગ્રેસે કર્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, આ જ કોંગ્રેસે સરદાર સાહેબને હાંસિયામાં ધકેલી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાપીને તેમના ગૌરવને વિશ્વ સમક્ષ મૂકયું છે.
એટલું જ નહિ, મહાત્મા ગાંધીજીના જીવન-કવન પણ વર્તમાન પેઢી સમક્ષ યોગ્ય સ્વરૂપે જીવંત રાખવા દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારક, રાજકોટમાં ગાંધી મ્યૂઝિયમ, ગાંધીનગરમાં મહાત્મા મંદિર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઇ મોદી સરકારે નિર્માણ કર્યા છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, વીર સાવરકરને પણ કોંગ્રેસે કોઇ માન-સન્માન આપ્યું નહિ, ઉલ્ટાનું રાહુલ ગાંધીએ તેમના માટે જે ભાષા વાપરી તે કોંગ્રેસની માનસિકતા છતિ કરનારી છે.