ફરી વડાપ્રધાન બન્યા બાદ મોદી આકરા ડોઝ આપે તેવી રોકાણકારોને દહેશ
કેન્દ્રમાં ફરી તોતીંગ બહુમતી સાથે ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બનવા જઈ રહી છે ત્યારે શેરબજાર જાણે અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. મતગણતરીનાં પ્રારંભે જ ઉઘડતી બજારે શેરબજારમાં આખલો ગાંડોતુર બન્યો હતો અને ૧૦૦૦થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો તે બપોરે ધોવાઈ ગયો હતો અને હાલ આ લખાય રહ્યું છે ત્યારે માત્ર ૧૭ પોઈન્ટનાં સામાન્ય ઉછાળા સાથે સેન્સેકસ ટ્રેડ કરી રહ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ મોદી આકરો ડોઝ આપશે તેવા ભયનાં કારણે રોકાણકારો કોઈ રીસ્ક લેવા માંગતા ન હોય બજારમાં પ્રારંભિક સુધારો ધોવાઈ ગયો હોવાનું મનાઈ રહ્યું છે.
લોકસભાની ચુંટણીની મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપને લીડ મળતાં ભારતીય શેરબજારમાં આજે તોતીંગ ઉછાળો આવ્યો હતો. સેન્સેકસે ૪૦,૦૦૦ પોઈન્ટની સપાટી ઓળંગી હતી તો નિફટીમાં પણ તોતીંગ ઉછાળા સાથે ૧૨ હજારની સપાટીને પાર થયો હતો. ઉંચા મથાળે વહેચવાલીનો દૌર શરૂ થતા અને મોદીને ફરી તોતીંગ બહુમતી મળતાં રોકાણકારોમાં એવો ભય ઉભો થયો છે કે, મોદી હવે વધુ આકરા પગલા લેશે જેના કારણે સવારે શેરબજારમાં જોવા મળેલો ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો બપોર આવતા સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. બપોરે શેરબજારમાં સતત ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળતો હતો. થોડીવાર સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં અને થોડીવાર રેડ ઝોનમાં જોવા મળી રહ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૩:૦૦ કલાકે સેન્સેકસ ૧૮૦ પોઈન્ટનાં ઘટાડા સાથે ૩૮,૯૨૯ અને નિફટી ૪૧ પોઈન્ટનાં ઘટાડા સાથે ૧૧,૬૯૬ પર ટ્રેડ કરી રહ્યા છે.