શહેર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી: શહેરીજનોને પેંડા ખવડાવી મોઢા મીઠા કરાવ્યા
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના ૩૦ દરવાજા બંધ કરવા માટે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુરી આપવામાં આવતા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સવારે ડેમના ૩૦ દરવાજા બંધ કરાતા આજે રાજયભરમાં ભાજપ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેર ભાજપ દ્વારા આજે બપોરે કોર્પોરેશન ચોકમાં આતશબાજી અને મીઠાઈ વહેંચી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની ઉંચાઈ વધારવા અને દરવાજા મુકવા માટે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર દ્વારા સતત સાત વર્ષ સુધી મંજુરી આપી ન હતી. દરમિયાન કેન્દ્રમાં ભાજપની સરકાર રચાતા જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૭ દિવસમાં જ ડેમ પર દરવાજા મુકવાની મંજુરી આપી દીધી હતી. દરવાજા મુકાયા બાદ બંધ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેનો ચુકાદો આજે આવ્યો હતો અને સુપ્રીમે નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજુરી આપતાની સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેવડીયા પહોંચી ગયા હતા અને ડેમના દરવાજા બંધ કર્યા હતા. આ ઐતિહાસિક ઘટનાની ગુજરાતમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં નર્મદા ઉત્સવ નામના કાર્યક્રમો પણ યોજાશે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીની આગેવાનીમાં આજે બપોરે કોર્પોરેશન ચોકમાં ભાજપ દ્વારા આતશબાજી અને મીઠાઈઓ વહેંચી આ ઐતિહાસિક અવસરની શાનદાર ઉજવણી કરાઈ હતી. આ તકે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિતીનભાઈ ભારદ્વાજ, કશ્યપભાઈ શુકલ સહિતના ભાજપના કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.