ભરૂચ અને દાહોદ બેઠક માટે કોંગ્રેસ ઉમેદવારને સીધા મેન્ડેટ આપે તેવી સંભાવના
ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પૈકી ભાજપે ૨૫ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત અગાઉ જ કરી દીધી હતી. દરમિયાન બાકી રહેતી અમદાવાદ પૂર્વની બેઠક માટે ભાજપે ગઈકાલે મોડીરાત્રે ઉમેદવારના નામની ઘોષણા કરી છે. આ બેઠક પરથી ભાજપે અમરાઈવાળીના ધારાસભ્ય હસમુખભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ આજે ઉમેદવારીપત્ર ભરશે. બીજી તરફ કોંગ્રેસ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ૨૬ ઉમેદવારોના નામ જાહેર કરી શકી નથી. ભરૂચ અને દાહોદ બેઠક માટે કોંગ્રેસને ઉમેદવારો મળતા ન હોય તેવું લાગી રહ્યું છે.
આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે આ બંને બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારોને સીધા જ મેન્ડેટ આપી ફોર્મ ભરાવે તેવી સંભાવના જણાઈ રહી છે.ભાજપે ગઈકાલે મોડીરાત્રે અમદાવાદ પૂર્વ બેઠક માટે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ (એચ.એસ.પટેલ)ના નામની સતાવાર જાહેરાત કરી દીધી છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં આ બેઠક પરથી ફિલ્મ અભિનેતા પરેશ રાવલ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને જંગી લીડથી ચુંટાયા હતા. આ વખતે પરેશ રાવલે લોકસભાની ચુંટણી લડવાનો ઈન્કાર કરતા ભાજપે અહીં નવા ઉમેદવારને મેદાનમાં ઉતારવાની જરૂર પડી છે. ગઈકાલ સાંજ સુધી એવી ચર્ચાઓ ચાલતી હતી કે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ પૂર્વની બેઠક પરથી લોકસભાની ચુંટણી લડશે જોકે પક્ષે અંતે (એચ.એસ.પટેલ)ના નામની જાહેરાત કરતા વડાપ્રધાન ચુંટણી લડશે તે વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
કોંગ્રેસે ગઈકાલે સાંજે ગુજરાતની ૬ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી જેમાં બનાસકાંઠા બેઠક પરથી પરથીભાઈ પટોલ, સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર ઠાકોર, અમરેલી બેઠક પર પરેશ ધાનાણી, ભાવનગર બેઠક પર મનહર પટેલ, ખેડા બેઠક પર બિમલ શાહ અને સુરત બેઠક પર અશોક અધેવાડાને ટીકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે ૨૬ પૈકી ૨૪ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભરૂચ અને દાહોદ બેઠક માટે હજુ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી નથી.