કેન્દ્ર સરકારની કિસાન પેન્શન યોજના અંતર્ગત દેશભરના નાના તથા સિમાંત ૧૮ થી ૪૦ વર્ષના ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ ૩૦૦૦ રૂપિયા પેન્શન પ્રતિ માસ આપવામાં આવશે
ભાજપા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જેબલીયાએ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં લેવાયેલા ખેડુતહિતના નિર્ણયોને આવકારતાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પુન:એકવાર દેશનું નેતૃત્વ સંભાળતાની સાથે જ કેન્દ્ર સરકારની પ્રથમ કેબીનેટ બેઠકમાં દેશભરના ખેડુતોને આપેલા વચનો પૂરા પાડતા નિર્ણયો લઇ ફરી એકવાર સાબિત કર્યુ છે કે આ સરકાર ગામડું – ગરીબ અને કિસાનોની સરકાર છે.
આ પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડુતલક્ષી મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ૧૨.૫ કરોડ ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા આપવામાં આવતાં હતા, જેને બદલે હવે દેશના તમામ ખેડુતોને આવરી લેતાં દેશના તમામ ૧૪.૫ કરોડ ખેડુતોને દર વર્ષે ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે. આ યોજના હેઠળ કુલ દર વર્ષે ૭૫ હજાર કરોડને બદલે હવે ૮૭,૨૧૭ કરોડ રૂપિયા દેશભરના ખેડુતોને ચૂકવવામાં આવશે.
જેબલીયાએ જણાવ્યુ હતુ કે, ચૂંટણીમાં આપેલ વચન મુજબ કેન્દ્ર સરકારે નાના તથા સિમાંત ખેડુતો માટેની પેન્શન યોજનાને પણ મંજુરી આપી દીધી છે. જે અંતર્ગત દેશભરના ૧૮ થી ૪૦ વર્ષના ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ ૩૦૦૦ રૂપિયા પેન્શન પ્રતિ માસ આપવામાં આવશે. આ ખેડૂત પેન્શન યોજના અંતર્ગત આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને દેશના આશરે ૧૩ કરોડ ખેડુતોને તેનો લાભ મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ફરી એકવાર દેશનું સુકાન સંભાળતાની સાથે જ કેન્દ્રની પ્રથમ કેબીનેટ બેઠકમાં ખેડુતોને આપેલા વચનો પૂર્ણ કરતાં મહત્વના નિર્ણયો લઇ દેશના ખેડુતોની ચિંતા કરી છે તે બદલ હું ગુજરાતભરના તમામ ખેડુતો વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય મંત્રીમંડળનો હદયપૂર્વક આભાર માનું છું.