રાજકોટમાં ૬૮૧, અમદાવાદમાં ૨૦૩૭, સુરતમાં ૧૯૪૯, વડોદરામાં ૧૪૫૧, ભાવનગરમાં ૫૯૫, જામનગરમાં ૫૪૩ દાવેદારો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ ગયું છે. આગામી તા.૨૧ના રોજ છ મહાનગરપાલિકાની ચૂંટણી યીઆ ચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત ૨૪ અને ૨૫ જાન્યુઆરીના રોજ છ મહાનગરપાલિકાના ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. છ મહાપાલિકાની ૫૭૨ બેઠકો માટે ભાજપને ૭૨૫૬ દાવેદારો મળ્યા છે.
હાલ ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. છ મહાનગરપાલિકામાં સક્ષમ ઉમેદવારો શોધવા માટે ભાજપ દ્વારા સેન્સની કવાયત હાથ ધરવામાં આવી હતી. જે પ્રક્રિયા પૂર્ણ થતાં ફોર્મ આગામી તા.૧લીથી ૩જી ફ્રેબુઆરી દરમિયાન યોજાનારી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે. તેના પર ચર્ચા વિચારણાંના અંતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેના આધારે દરેક બેઠકમાં પેનલ નક્કી કરવામાં આવશે.
છ મહાનગરપાલિકાઓ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર તથા ભાવનગરની ચૂંટણી માટે ભાજપ પ્રદેશ કાર્યાલય સમક્ષ નિરીક્ષકોએ રજૂ કરેલો દાવેદારોનો આંકડો ૭૨૫૬ છે. જે રાજયની છ મહાનગરપાલિકાની ૫૭૨ બેઠકો માટે છે.
રાજકોટમાં ૧૮ વોર્ડમાં ૬૮૧ લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ૧૮ નંબરના વોર્ડમાં સૌથી વધુ ૫૬ લોકોએ ફોર્મ ભર્યા છે.અમદાવાદમાં કુલ ૨૦૩૭ દાવેદારો છે. અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં ૭૭૧, અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારના વોર્ડની બેઠકો માટે ૬૮૭ અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વોર્ડની બેઠકો માટે ૫૭૯ લોકોએ દાવેદારી કરી છે. જેમાં સૈથી વધુ કુબેરનગર બેઠક માટે ૧૦૨ અને સરદારનગર વોર્ડમાં ૧૦૦ લોકોએ ફોર્મ ભર્યા છે.
સુરતમાં ૩૦ વોર્ડમાં ૧૯૪૯ લોકોએ દાવેદારી કરી છે. તેમાં બેઠક દીઠ ૩૬થી માંડીને ૧૦૩ ફોર્મ ભરાયાં છે. કાપોદ્રામાં ૩૬ અને અડાજણ,પાલ,ઇચ્છાપોરમાં ૧૦૩ લોકોએ દાવેદારી કરી છે. જયારે વડોદરામાં ૧૯ વોર્ડ માટે ૧૪૫૧ લોકોએ દાવેદારી કરી છે. આ ઉપરાંત ભાવનગરના ૧૩ વોર્ડ માટે ૫૯૫ લોકોએ ફોર્મ ભર્યા છે. જેમાં એક વોર્ડમાં ૫થી માંડીને ૫૬ ફોર્મ ભરાયાં છે. વોર્ડ નં. ૮માં ૫૬ અને વોર્ડ નં. ૧૨ માં ૫ ફોર્મ ભરાયાં છે. તે જ રીતે જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડ માટે ૫૪૩ લોકોએ ફોર્મ ભર્યા છે. તેમાં સૌથી વધુ એક બેઠક પર ૫૮ ફોર્મ ભરાઇને આવ્યા છે.