ભાજપે આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા કાર્યકરોમાં ઘૂંઘવાટ
કાર્યકરોનો રોષ શાંત નહીં થાય તો પેનલોને નુકસાનની ભીતિ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની ટિકિટ ફાળવણી માટેના નવા નિયમો અંગેની જાહેરાત બાદ રાજ્યની સાથે જામનગરમાં પણ ઉમેદવારોને ટિકિટ ફાળવણીની પ્રક્રિયા બાદ ઘણા વોર્ડમાં કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને અમુક વોર્ડમાં અન્ય વિસ્તારની વ્યક્તિને ટિકિટ ફાળવી દેવાતા મામલો વધુ પેચીદો બની ગયો છે.જેના કારણે ચૂંટણી વખતે જુના કાર્યકરો નિષ્ક્રિય રહે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. મહાપાલિકાની ચૂંટણીમાં આ વખતે ટિકિટ ફાળવણી બાબતે મોટો હોબાળો મચી ગયો હતો જેના લીધે અમુક કોર્પોરેટરોએ પક્ષ પલ્ટો કરવા સુધીની નોબત આવી ગઈ છે. તો બીજી બાજુ અમુક વોર્ડમાં આયાતી ઉમેદવારોને ટીકીટ આપી ઠોકી બેસાડતા કાર્યકરો પણ રોષે ભરાયાનું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અમુક ઉમેદવારો ગત ટર્મમાં જે તે વોર્ડમાંથી ચૂંટણી લડ્યા હોય તેવા ઉમેદવારોને આ વખતે અન્ય વોર્ડમાં ટીકીટ ફાળવવામાં આવતા તેઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.જેના કારણે બાવાના બેય બગડે જેવી સ્થિતિ નિર્માણ થાય છે. કરણ કે વોર્ડ ફરી જતા નવા વિસ્તારમાં ફરી એકડે એકથી ઘૂંટવાનો વારો આવે અને બીજીબાજુ કાર્યકરો માટે તેજ સ્થિતિ ઉભી થઇ છે. પોતાના વિસ્તારમાં અન્ય ઉમેદવારને ઠોકી બેસાડતા હવે નવા ચહેરા માટે કામ કરવું જેના લીધે અમુક વોર્ડમાં કાર્યકરો પણ રોષે હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, નવા નિયમોને લઈ ઘણા સિનિયર કોર્પોરેટરોએ ઘરે બેસવાનો વારો આવ્યો છે જેના કારણે અમુક વોર્ડના કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.આધારભૂત સુત્રોમાંથી એવું પણ જાણવા મળે છે કે, હાલ ભાજપે 16 વોર્ડ માટે 64 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે તેમ અમુક તો પાર્ટીના કાર્યકર પણ નથી ત્યારે માત્રને માત્ર જ્ઞાતિવાદ, સગાવાદ અથવા તો આવનારી ચૂંટણીને નજરઅંદાજ કરીને ટિકિટ આપી દેવામાં આવતા ભાજપના પાયાના સિનિયર કાર્યકરોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. ટિકિટ ફાળવણીનું લિસ્ટ જાહેર થયા બાદ આવા કાર્યકરો રીતસરના ભાજપ કાર્યાલયે પહોંચી જઇ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. તેમ છતાં નિર્ણયમાં કોઈ ફેરફાર કરાયો ના હતો. બીજીબાજુ જોઈએ તો આ વખતે ભાજપની સામે આ વખતે ‘આપ’નો પક્ષ પણ મેદાનમાં પુરી તાકાતથી ઉતાર્યો છે અને 60 ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા છે અને બસપાના 23 ઉમેદવારો લડી રહ્યા છે.તે ભાજપને કેટલું ડેમેજ કરે તે જોવાનું રહ્યું. બીજી બાજુ જોઈએ તો કોંગ્રેસ પણ ગત ચૂંટણી બાદ 24 ઉમેદવારો સાથે વિરોધ પક્ષમાં બેઠું હતું. જો કે પાછળથી 8 ઉમેદવારોએ પક્ષ બદલ્યો હતો. આ બધાય સમીકરણો જોતા જો કાર્યકરોનો અસંતોષ નહિ થમે તો કદાચ ગત ચૂંટણીની પેનલ જાળવવી ભાજપ માટે મુશ્કેલી ઉભી કરે તો કહેવાય નહીં.