રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી 1લી માર્ચે યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપે કર્યા ઉમેદવારોના નામ જાહેર: બંને ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે

અભયભાઈ ભારદ્વાજ અને અહેમદભાઈ પટેલના અકાળે અવસાનના કારણે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી 1લી માર્ચના રોજ ચૂંટણી યોજાવાની છે. જેના માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. મારૂતિ કુરિયરના માલીક રામભાઈ મોકરીયા અને ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિને ટિકિટ આપી છે. આ બન્ને ઉમેદવારો આવતીકાલે શુભ વિજય મુહૂર્તે ઉમેદવારી ફોર્મ ભરશે. બીજી તરફ વિધાનસભામાં પુરતું સભ્ય સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસે પોતાના ઉમેદવારો નહીં ઉતારવાનો નિર્ણય લીધો છે. આવામાં ભાજપના આ બન્ને ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવશે.

અભયભાઈ ભારદ્વાજ અને અહેમદભાઈ પટેલનું અવસાન થવાના કારણે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો પૈકી 2 બેઠકો ખાલી પડી હતી. તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આ બન્ને બેઠકો માટે 1લી માર્ચે ચૂંટણી યોજાશે તેવી વિધિવત ઘોષણા કરી હતી. જો કે, બન્ને બેઠકો માટે અલગ અલગ જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે અને અલગ અલગ બેલેટ પેપર મારફતે ચૂંટણી યોજાનાર હોય બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બને તે નિશ્ર્ચિત જ છે. અપુરતું સંખ્યાબળ અને ચૂંટણી અલગ અલગ બેલેટ પર યોજાવાની હોવાના કારણે હાર નિશ્ર્ચિત જણાતા કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો માટે ઉમેદવારો નહીં ઉતારવાનો નિર્ણય લીધો છે.

રાજ્યસભાના ઉમેદવાર તરીકે રામભાઈ મોકરીયાને ટિકિટ આપી છે. તેઓનું જન્મસ્થળ પોરબંદરના ઘેડ વિસ્તારનું ભડ ગામ છે. તેઓ મારૂતિ કુરિયર સર્વિસના સર્વેસર્વા છે. મારૂતિ કુરિયર માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્ર્વમાં સારી નામના ધરાવે છે. રામભાઈ મોકરીયાનો જન્મ 1લી જૂન 1957ના રોજ થયો છે. તેઓ 1976માં વિદ્યાર્થી પરિષદમાં જોડાયા છે. ત્યારબાદ જનસંઘમાં જોડાયા હતા અને હાલ ભાજપ સાથે જોડાયેલા છે. 1989માં નગરપાલિકામાં તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. તે વખતે પોરબંદરમાં 12 ગેંગ ચૂંટણી લડતી હતી. તેઓ 2004થી ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે.તેઓને 2 દિકરા અને 1 દિકરી છે. રામભાઈ મોકરીયા ખુબજ ડાઉન ટુ અર્થ છે અને સેવાભાવી સ્વભાવ ધરાવે છે. તેમને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરતા કાર્યકરો અને સમર્થકોમાં ભારે ખુશાલી જોવા મળી રહી છે.

ભાજપના અન્ય ઉમેદવાર જગદીશભાઈ પ્રજાપતિ પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે. તેઓ ઓબીસી સમાજનો ખુબ મોટો ચહેરો છે. અગાઉ તેઓ બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને બોર્ડ નિગમમાં અલગ અલગ પદો પર જવાબદારી નિભાવી ચૂક્યા છે. પક્ષ પ્રત્યેની નિષ્ઠા ધ્યાને રાખી ભાજપે બન્ને ઉમેદવારોને રાજ્યસભાની ટિકિટ આપી છે. હવે તેઓ આવતીકાલે શુભ વિજય મુહૂર્તે ફોર્મ ભરશે. ઉમેદવારી નોંધાતા સાથે જ તેઓની જીત નિશ્ર્ચિત થઈ જશે. કારણ કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને મેદાનમાં નહીં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.