નાગાલેન્ડમાં ભાજપ-એનડીપીપી ગઠબંધનને બહુમતે મળે તેવું અનુમાન
દરેક રાજ્યમાં ભાજપ પોતાનો ભગવો લહેરાવા સજ્જ બન્યું છે. જેના ભાગરૂપે પૂર્વોત્તર રાજ્યમાં પણ ભાજપના ઝંડા લાગ્યા છે જે સ્પષ્ટ સૂચવે છે કે ભાજપને બહુમતી મળશે અને એક્ઝિટપોલ પણ એજ સૂચવે છે. ત્યારે નાગાલેન્ડમાં ભાજપ અને એનડીપીપી ગઠબંધનને બહુમતી મળે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સોમવારે જાહેર થયાં હતાં. જેમાં ત્રિપુરામાં ફરી ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં ભાજપને 45 ટકા મત મળી શકે છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 60 બેઠકો છે. વિભિન્ન એક્ઝિટ પોલની સરેરાશના આધાર પર ત્રિપુરામાં ભાજપને 31, લેફ્ટ ફ્રન્ટને 15 બેઠક મળવાનું અનુમાન છે. કોંગ્રેસ ખાતુ પણ નહીં ખોલાવી શકે તેવું અનુમાન છે.
જ્યારે નાગાલેન્ડમાં ભાજપ-એનડીપીપી ગઠબંધનને બહુમત મળે તેવું અનુમાન છે. ભાજપ-એનડીપીપી ગઠબંધનને વિધાનસભાની કુલ 60 બેઠકમાંથી 42, કોંગ્રેસને 1 અને એનપીએફને 6 બેઠક મળવાનું અનુમાન છે. જ્યારે મેઘાલયમાં અસ્પષ્ટ જનાદેશનું અનુમાન જાહેર કરવામાં આવ્યો છે. મેઘાલયમાં એનપીપીને 20 જ્યારે ટીએમસીને 11 અને ભાજપ 6 બેઠક મળે તેવી શક્યતા છે. જ્યારે સરકાર રચવા માટે 31 બેઠકો જોઈએ છે. નોંધનીય છે કે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ જ્યારે મેઘાલય તેમજ નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. આ ત્રણેય રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.
એનપીપીને ૧૮ થી ૨૪ કોંગ્રેસને ૬ થી ૧૨, ભાજપને ૪ થી ૮ અને અન્યને ૪ થી ૮ બેઠકો મળતી જણાય છે. જો કે દરેક એકઝિટ પોલમાં બેઠકોની જીતમાં તફાવત હોવા છતાં બહુમતિની શકયતા ઓછી જણાય છે. પૂર્વોત્તરના વધુ એક રાજય નાગાલેન્ડની વાત કરીએ તો ભાજપ અને એનડીપીપી ગઠબંધનનને ૩૮ થી ૪૮,એનપીએફને ૩ થી ૮ અને કોંગ્રેસને ૧ થી ૨ બેઠકો મળી રહી છે. નાગાલેન્ડમાં અન્ય પક્ષોને ૫ થી ૧૫ જેટલી બેઠકો મળી શકે છે. આમ મેઘાલયને બાદ કરતા પૂર્વોત્તર રાજયમાં ભાજપ અને સાથી પક્ષોની જીતની શકયતા એકઝિટ પોલમાં જણાઇ રહી છે.