- બીજી યાદીમાં ભાજપ દ્વારા ગુજરાતની વધુ સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા
- ડો. મહેન્દ્ર મુંજપરા, રાજેશ ચુડાસમા, નારણ કાછડિયા અને શારદાબેન પટેલની ટિકિટ કંપાય તેવી પ્રબળ સંભાવના
લોકસભાની આગામી ચૂંટણી માટે સતાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં 11 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 72 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની સાત બેઠકો માટે પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પાંચ સાંસદોની ટિકિટ કાપી નાખવામાં આવી છે.જયારે બે સાંસદોને ફરી ટિકિટ આપવામાં આવી છે. મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી બેઠક માટે ઉમેદવારો નકકી કરવામાં ભાજપ ગોટે ચડયું છે. આ ચારેય બેઠકો માટે સિટીંગ સાંસદોની ટિકિટ પર જોખમ ઝળુંબી રહ્યું છે.
ભાજપ દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોના નામની બીજી યાદીમા ગુજરાતની જે સાત બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં સુરત બેઠક પરથી વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના સ્થાને મુકેશભાઈ દલાલને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર બેઠક પર વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કાંપી પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને ટિકિટ આપવામાં આવી છે. સાંબરકાંઠા બેઠક પર દિપસિંહ રાઠોડની ટિકિટ કાંપી ભીખુજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. છોટાઉદેપુર બેઠક પર ગીતાબેન રાઠવાને કાપી તેના સ્થાને જશુભાઈ રાઠવાને ટિકિટ અપાય છે. જયારે વલસાડ બેઠક પર વર્તમાન સાંસદ કે.સી. પટેલના સ્થાને ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જયારે વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે.
ઉમેદવારોના નામની બે યાદીમાં ગુજરાતની લોકસભાની 26 પૈકી 22 બેઠકો માટે મૂરતીયા જાહેર કરી દેવામાં આવ્યા છે. જયારે સૌરાષ્ટ્રની ત્રણ સહિત રાજયની ચાર બેઠકો માટે ઉમેદવાર નકકી કરવામાં ભાજપ ગોટે ચડયું છે. મહેસાણા બેઠકના વર્તમાન સાંસદ શારદાબેન પટેલ, સુરેન્દ્રનગર બેઠકના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાની ટિકિટ પર ભારોભાર જોખમ ઝળુંબી રહ્યું છે. આ ચારેય બેઠકો પર ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારે તેવી અટકળો હાલ ચાલી રહી છે.ઉમેદવારોના નામની ત્રીજી યાદીમાં ભાજપ દ્વારા ગુજરાતની બાકી રહેલી ચાર બેઠકો માટે મુરતીયાઓનાં નામ જાહેર કરી દેવામાં આવે તેવી શકયતા જણાય રહી છે.
નીતિન ગડકરી નાગપુર, પિયુષ ગોયલ મુંબઈ નોર્થ અને અનુરાગ ઠાકુર ધારવાડથી ચૂંટણી લડશે
ભાજપે જે યાદી જાહેર કરી છે તેમાં અનેક મોટા નામોનો પણ સમાવેશ થાય છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કર્નાલથી, નિતિન ગડકરી નાગપુરથી, પિયુષ ગોયલ મુંબઇ નોર્થથી, પ્રહલાદ જોશી ધારવડથી, અનુરાગ ઠાકુર હમીરપુરથી, ચૌધરી ધર્મેન્દ્રસિંહ ભિવાનીથી, રાવ ઇન્દ્રજિતસિંહ યાદવ ગુડગાંવથી, બસાવરાજ બોમઇ હાવેરીથી, તેજસ્વી સુર્યા બેંગ્લુરુ દક્ષિણથી, પંકજા મુંડે બીડથી, પિયુષ ગોયલ ઉત્તર મુંબઇ બેઠક પરથી ચૂંટણી લડશે. દિલ્હીની પૂર્વ બેઠક પર ક્રિકેટર ગૌતમ ગંભીર સાંસદ છે, જોકે તેણે રાજકારણમાંથી નિવૃત થવાની જાહેરાત કરી હતી, તેથી આ બેઠક પરથી ભાજપે હર્ષ મલ્હોત્રાને ટિકિટ આપી છે. બીડ બેઠક પર પ્રિતમ મુંડે પ્રતિનિધિત્વ કરતા હતા, હવે તેમના સ્થાને પંકડા મુંડેને ટિકિટ આપવામાં આવી છે. સંસદમાં પ્રદર્શનકારીઓને પ્રવેશવામાં મદદ કરનારા સાંસદ પ્રતાપ સિમ્હાની ભાજપે બાદબાકી કરી નાખી છે, તેમના સ્થાને મૈસુર બેઠક પરથી રોયલ પરિવારમાંથી આવતા યદુવીર વાડિયારને ટિકિટ આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સહિત પાંચ સાંસદો કપાયા
સુરત, ભાવનગર, સાંબરકાંઠા, છોટાઉદેપુર અને વલસાડ બેઠક પર નવા ચહેરા ઉતારાયા
સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા લોકસભાની આગામી ચુંટણી માટે ગઇકાલે ઉમેદવારોના નામોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતની સાત બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. સાત પૈકી પાંચ બેઠકો પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. જયારે બે સાંસદોને ફરી ટિકીટ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ભારતીબેન શિયાળની ટિકીટ કાંપી નાખવામાં આવી છે. સુરત બેઠક પર કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની ટિકીટ કાંપી તેના સ્થાને મુકેશભાઇ દલાલને ટિકીટ આપવામાં આવી છે. ભાવનગર બેઠક પર ભારતીબેન શિયાળના સ્થાને નીમુબેન બાંભણીયાને ટિકીટ આપવામાં આવી છે. સાબરકાંઠા બેઠક પર દિપસિંહ રાઠોડને કાંપી ભીખુજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. છોટાઉદેપુર બેઠક પર ગીતાબેન રાઠવાની ટિકીટ કાંપી જશુભાઇ રાઠવાને ટિકીટ આપવામાં આપી છે. વલસાડ બેઠક પર સિનીયર સાંસદ કે.સી. પટેલની ટિકીટ કાંપી યુવા ચહેરા તરીકે ધવલ પટેલને ટિકીટ આપવામાં આવી છે. વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ અને અમદાવાદ પૂર્વ બેઠક માટે હસમુખભાઇ પટેલન રિપીટ કરાયા છે.