રાજકોટ શહેર, જૂનાગઢ જિલ્લા, સાબરકાંઠા, કચ્છ, તાપી અને નર્મદા એમ છ પ્રમુખો રિપીટ: બાકીના સેન્ટરોમાં નવા ચહેરાઓને સ્થાન
વિધાનસભા પેટાચૂંટણીના પરીણામો જાહેર થાય તે પહેલા સોમવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ૩૨ જિલ્લા અને ૭ મહાનગરોના સંગઠનમાં નવા પ્રમુખોની નિમણૂકો કરી છે. જેમાં રાજકોટ શહેર, જૂનાગઢ જિલ્લા, સાબરકાંઠા, કચ્છ, તાપી અને નર્મદા એમ છ પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યા છે. સાથે ૩૩ નવા ચેહરાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
નવા પ્રમુખપદ માટે પૂર્વ મેયર, સંગઠનમાં ઉપપ્રમુખ રહેલા નેતાઓને પણ પ્રમોટ કરાયા છે. ૩૯ પૈકી એક માત્ર ખેડામાં ધારાસભ્યને પ્રમુખપદની જવાબદારી સોંપાઈ છે. જો કે, નવી નિમણૂકોમાં એકપણ મહિલાને સ્થાન મળ્યુ નથી એ હકીકત વચ્ચે અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા એમ બે પ્રમુખની નિમણૂકો લટકી પડી છે. સંભવત: દિવાળી પછી સામાજિક- સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સ્તરે પ્રભાવ સર્જતા આ બેઉ ક્ષેત્રોમાં નવા પ્રમુખની નિમણૂંકો થશે એમ મનાય છે. જિલ્લા સ્તરે પ્રમુખોની નિયુક્તિ પછી હવે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ પ્રદેશ સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કારોબારી સભ્યો અને ત્યાર બાદ યુવા, મહિલા સહિતના મોરચાના પ્રમુખોની નિમણૂક કરશે. આ પ્રક્રિયા દિવાળી બાદ થશે એમ કહેતા ભાજપના ટોચના સૂત્રોએ પાર્લમેન્ટરી બોર્ડની નવ રચના સૌથી છેલ્લે થશે તેમ ઉમેર્યું હતુ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા પ્રમુખોની વિશેષ જવાબદારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે. તેવામાં ભાજપે નવા પ્રમુખોની જાહેરાત કરી દીધી છે. હવે આ પ્રમુખો ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિશેષ જવાબદારી આવી છે. નવા પ્રમુખો ઉપર વધુમાં વધુ જગ્યાએ કમળ ખીલવવાની વિશેષ જવાબદારી છે.
૩૯માંથી ૧૪ પ્રમુખ પાટીદાર સમાજના
વર્ષ ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજ્ય અને ૨૦૧૭માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં જ્ઞાતિવાદને કારણે ભાજપે ઘણો એવો ઘસારો પહોંચ્યો છે. તેનું રિપિટેશન અટકાવવા સંગઠનાત્મક સ્તરે નવા હોદ્દેદારોની પસંદગીમાં સંતુલન રાખવામાં આવ્યુ હોય તેમ ૩૯માંથી ૧૪ પાટીદાર, ૧૧ ઓબીસી ચહેરાને જવાબદારી સોંપાઈ છે. ઓબીસી વર્ગની અનેક નાની જ્ઞાતિની પૃષ્ઠભૂમી ધરાવતા નેતાઓને મોટા શહેરો- જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. જ્યારે પાંચ પ્રમુખો RSSના બ્રેકગ્રાઉન્ડમાંથી આવતા હોવાનું જાણમાં આવ્યુ છે.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મનસુખભાઇ ખાચરીયા
રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે પક્ષ માટે લોકસેવામાં અતિ વ્યસ્ત રહેતા મનસુખભાઇ ખાચરિયાની નિમણુંક કરતા જસદણ વીછીંયા આ બન્ને તાલુકામાંથી આવકાર સાંપડી રહ્યો છે. સોમવારે મનસુખભાઇની નિમણુંક બાદ એમણે આ પદ આપ્યા બાદ તેમણે પાર્ટીનો આભાર વ્યકત કર્યો હતો બાદમાં ખાચરિયાની આ વરણીને જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયા, જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ, સહિતના અનેક ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોએ અભિનદનની ગુલાબી ઠંડીમાં વર્ષા કરી હતી.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મીરાણી રીપીટ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મીરાણીને રિપીટ કરાતાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના ઇન્દિરા સર્કલ ખાતે કાર્યકરોએ ઉમટીને ભવ્ય આતશબાજી સાથે કમલેશ મીરાણીને વધાવ્યા હતા. ઇન્દિરા સર્કલ ખાતેથી કમલેશ મીરાણી જાણે રોડ શો કરતા હોય તે પ્રકારે નિવાસસ્થાન સુધી પહોંચ્યા હતા. કમલેશ મીરાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મને ફરીવાર જે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું પ્રદેશ સંગઠનનો આભાર વ્યક્ત કરું છું. જે રીતે કાર્યકરોએ સ્વયંભૂ ઉમટીને ઉત્સાહ બતાવ્યો છે તે બદલ હું કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કરું છું. ટૂંક સમયમાં રાજકોટ મનપાની યોજનારી ચૂંટણી અંગે કમલેશ મીરાણીએ કહ્યું હતું કે, ભાજપના કાર્યકરો હરહંમેશથી સેવામાં માને છે. કોરોના કાળમાં પણ કાર્યકરો જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવવાનું ચુક્યા નથી. ભોજનથી માંડીને માસ્ક સહિતની તમામ પુરવઠો ભાજપના કાર્યકરોએ સમયસર પહોંચાડ્યો છે ત્યારે પ્રજા ભાજપને ફરીવાર વિજયી બનાવશે અને રાજકોટ મનપામાં ફરીવાર ભગવો લહેરાશે અને કોંગ્રેસના સુપડાં સાફ થશે તે વાત નક્કી છે. તેમણે સંગઠન અંગે કહ્યું હતું કે, ભાજપ અગાઉથી જ કાર્યકરોનો પક્ષ રહ્યો છે, આજે જે રીતે ટૂંકા સમયગાળામાં મોટી સંખ્યામાં કાર્યકરો સ્વયંભૂ ઉમટી પડ્યા છે તે જ ભાજપના સંગઠનની તાકાતને સૂચવે છે. આગળના દિવસોમાં પ્રદેશ ભાજપના સંગઠન દ્વારા જે આદેશ અને સૂચના આપવામાં આવશે તે મુજબ કાર્યો કરીને સંગઠનને વધુ મજબૂત બનાવીશ. તેમણે ભવિષ્યના વિઝન અંગે કહ્યું હતું કે, પ્રમુખનું પદ સંગઠનની જવાબદારી સાથે લાવે છે. હું અગાઉથી જ સંગઠન સાથે જોડાયેલો છું અને ફરીવાર પ્રદેશ સંગઠને જે વિશ્વાસ મારી ઉપર મુક્યો છે તેને સંપૂર્ણરીતે યથાર્થ કરીશ.
જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે પુનીત શર્માની વરણી: જિલ્લામાં કિરીટ પટેલ રીપીટ
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા પુનિતભાઈ શર્મા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢ શહેર ભાજપ મહામંત્રી તરીકે સેવા આપી રહ્યાની સાથોસાથ છેલ્લી ૩ ટર્મથી જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ સેવા આપે છે, તેવો જૂનાગઢની બ્રહ્મ સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાની સાથોસાથ શહેરની વિવિધ સંસ્થાઓમાં પણ સેવાઓ આપી રહ્યા છે, આ ઉપરાંત રાજકીય શ્રેત્રે સંગઠનના માહિર અને ચૂંટણીમાં ચાણક્ય ગણાતા હોવાથી જુનાગઢ ભાજપનું પુનિત શર્મા એક અવિભાજ્ય અંગ ગણાય રહ્યું છે, અને આ તમામ સ્તરે સુનિતા શર્માને યોગ્યતા તપાસી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે અનેક દાવેદારોની દાવેદારીમાંથી સુનિતા શર્માની પસંદગી કરવામાં આવી છે. બીજી બાજુ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે લડાયક યુવા ભાજપા અગ્રણી અને તાલાલા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન તથા તાજેતરમાં જ સોરઠની મહત્વની ગણાતી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં પૂરેપૂરી પેનલ સાથે વિજેતા બની, બિનહરીફ ચૂંટાયેલા જૂનાગઢ જિલ્લા ભાજપના હાલના પ્રમુખ કિરીટ પટેલને ફરી એક વખત જિલ્લા પ્રદેશ ભાજપ પ્રમુખ પદ માટે રીપીટ કરતા જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
જામનગર શહેર ભાજપના પ્રમુખપદે ડો. કગથરાની નિયુકિત: જિલ્લા ભાજપના પ્રમુખપદે રમેશ મુંગરાની વરણી
જામનગર શહેર અને જિલ્લાના ભાજપના પ્રમુખ પદ માટેના નવા હોદેદારો ની યાદી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી જેમાં જામનગર ભાજપના નવા પ્રમુખ તરીકે ડો. વિમલભાઈ કગથરા ની પસંદગી કરવામાં આવી છે. જેઓ હાલ જામનગર શહેર ભાજપના મહામંત્રી પદે કાર્યરત હતા. જેઓની આજે પ્રમુખપદ માટે પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ પદે રમેશભાઈ મુંગરા ની વરણી કરવામાં આવી છે. જેઓ આ અગાઉ પણ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રમુખ પદ સંભાળી ચૂક્યા છે. જેઓની પ્રદેશ ભાજપ દ્વારા આજે ફરીથી વરણી કરવામાં આવી છે, અને તેઓને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. જામનગર શહેર ભાજપના વર્તમાન પ્રમુખ તરીકે હસમુખભાઈ હિંડોચા કે જેઓ સાત વર્ષ જેટલા સમયથી પ્રમુખ પદનો કાર્યભાર સંભાળતા હતા. પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યભરમાં નવા પ્રમુખ પદની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમા શહેર ભાજપ માટે અનેક નવા સમીકરણો સર્જાય તેમ મનાઈ રહ્યું છે. અનેક બેઠકો માં ફેરફાર થયા હોવાથી પણ ખૂબ જ કસોટી પૂર્ણ કાર્ય રહેશે. આગામી દિવસોમાં અન્ય હોદ્દેદારોની પણ જાહેરાત કરવામાં આવશે.